Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં મચાવી દીધી ધમાલ:નંબર-2 નુ સ્થાન હાંસલ કર્યુ

ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો સતત મજબૂત: પુજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે જ્યાં રનનો વરસાદ કરી રહ્યો છે

ભારતે 2018માં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ જીતનો એક મહાન હીરો હતો. ભારતે 2021માં ફરી આવું જ કર્યું અને પૂજારાએ અહીં પણ સારું પ્રદર્શન કર્યું, પરંતુ ત્યારથી આ જમણા હાથના બેટ્સમેને તેનું ફોર્મ ગુમાવ્યું અને પરિણામ એ આવ્યું કે તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. પરંતુ હવે પુજારા ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો સતત મજબૂત કરી રહ્યો છે. હાલમાં તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે જ્યાં તેના દ્વારા રનનો વરસાદ થઈ રહ્યો છે. પુજારા ઈંગ્લેન્ડની ધરતી પર જોરદાર વરસાદ વરસાવી રહ્યો છે અને બોલરોને પરેશાન કરી રહ્યો છે.

   પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધી તે ચાર મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેણે શાનદાર બેટિંગ કરી છે. પૂજારાએ આ ચાર મેચમાં કુલ 717 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ચાર સદી ફટકારી છે. તેણે આ ચારમાંથી બે સદીને બેવડી સદીમાં બદલી છે.

  પુજારા હાલમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં નંબર-2 પર છે. તેણે 143.40ની એવરેજથી 700થી વધુ રન બનાવ્યા છે. તેની બાજુમાં ડરહામનો સીન રોબર્ટ ડિક્સન છે. ડિક્સન અને પૂજારા વચ્ચે માત્ર 12 રનનો તફાવત છે, જ્યારે ડિક્સન એક મેચ વધુ રમ્યો છે. ડિક્સને પાંચ મેચમાં 729 રન બનાવ્યા છે. તેની સરેરાશ 81 છે અને તેના નામે ચાર સદી તેમજ બે અડધી સદી છે.

ડર્બીશાયરનો શાન મસૂદ ચાર મેચમાં 713 રન સાથે ત્રીજા ક્રમે છે અને તેનો સાથી ખેલાડી વિન લી મેડસેન ચોથા નંબર પર છે. મેડસેનના ચાર મેચમાં 498 રન છે. તેણે 99.60ની એવરેજથી રન બનાવ્યા છે અને બે સદી ફટકારી છે. આ ઉપરાંત તેના નામે ત્રણ ફિફ્ટી પણ છે. સસેક્સનો થોમસ હેઈન્સ પાંચમા નંબરે છે. હંસના પાંચ મેચમાં 464 રન છે. આ બેટ્સમેનની એવરેજ 51.55 છે અને તેના ખાતામાં એક સદી અને બે અડધી સદી છે.

   
 
   
(9:25 pm IST)