Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ભાજપ સાંસદે ફરી આપી ધમકી : કહ્યું - રાજ ઠાકરે હવે માફી માંગે તો પણ અયોધ્યા નહીં આવી શકે: સમય પૂરો થઇ ગયો

ભાજપ સાંસદ બ્રીજભૂષણ શરણ સિંહે કહ્યું- રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે. ઉત્તર ભારતીયોએ હવે અયોધ્યાની આસપાસ છાવણી બનાવી લીધી:ઠાકરેને કોઈપણ શરતમાં અયોધ્યામાં ઉતરવા નહીં દે: ભાજપ સાંસદને હવે મહારાષ્ટ્રમાંથી સપાના ધારાસભ્ય અબુ આઝમીનું સમર્થન મળ્યું

મુંબઈ :મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના 5 જૂને થનારા અયોધ્યા પ્રવાસને લઈને મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના કૈસરગંજના ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ સરન સિંહે હવે નવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેને ઉત્તર ભારતીયોની માફી માંગવા માટે આપવામાં આવેલો સમય હવે પૂરો થઈ ગયો છે. રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે. ઉત્તર ભારતીયોએ હવે અયોધ્યાની આસપાસ છાવણી બનાવી લીધી છે. તેઓ 5મીએ રાજ ઠાકરેને કોઈપણ શરતમાં અયોધ્યામાં ઉતરવા નહીં દે. બ્રિજભૂષણ શરણ સિંહને હવે મહારાષ્ટ્રમાંથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીનું સમર્થન પણ મળી ગયું છે.

અબુ આઝમીએ બ્રિજભૂષણ શરણ સિંહને ફોન કરીને સમર્થન આપ્યું અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. તેઓ તેમના આ કાર્ય માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપે છે. બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે કહ્યું હતું કે જો રાજ ઠાકરે અયોધ્યા આવવા ઈચ્છે છે તો તેમની પાસે બે જ રસ્તા છે. કાં તો તેઓ કહે છે કે થોડા વર્ષો પહેલા ઉત્તર ભારતીયો પર થયેલા હુમલામાં તેમનો કોઈ હાથ નથી અથવા તેઓએ આ કૃત્ય માટે માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે આવું ફરીથી નહીં થાય. આમ કર્યા પછી જ તેઓ અયોધ્યામાં પગ મુકી શકશે. નહિંતર, તેઓ જહાજમાં ચડી તો જશે પરંતુ અયોધ્યા ઉતરી શકશે નહીં.

આ પછી તેમણે એ જ વાતનું પુનરાવર્તન કર્યું, તેમણે ત્યાં સુધી કહ્યું કે માફી માંગવાનો સમય જતો રહ્યો છે. હવે જો રાજ માફી માંગે તો પણ તેમને 5મીએ અયોધ્યામાં ઉતરવા દેવામાં આવશે નહીં.

સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું ‘કાલે અયોધ્યામાં સંતો-મહંતોની બેઠક છે. સાથે જ અહીં પચાસ હજાર લોકો એકઠા થશે. સંતોનું પણ માનવું છે કે જ્યાં સુધી રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે ત્યાં સુધી તેમને અયોધ્યા આવવા દેવામાં આવશે નહીં. હવે તેઓ ઓછામાં ઓછી 5 તારીખે તો અયોધ્યા નહીં જ આવી શકે. અમને મહારાષ્ટ્રમાંથી મુસ્લિમ અને મરાઠા સમુદાયના ઘણા લોકોના ફોન આવી રહ્યા છે અને તેઓ અમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

   
 
   
(8:19 pm IST)