Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કર્ણાટકમાં અજાનના સમયે ૧૦૦૦ મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરાશે

લાઉડ સ્પીકરને લઈને મહારાષ્ટ્ર બહાર વિવાદ વકર્યો ઃ આ એલાન બાદ સરકારે રાજ્યની પોલીસને એલર્ટ કરી દીધી છે, કારણકે રાજ્યમાં અગાઉ પણ હિજાબને લઈને તણાવ સર્જાઈ ચુકયો છે

નવી દિલ્હી,તા.૯ ઃ લાઉડ સ્પીકર, અજાન અને હનુમાન ચાલીસાને લઈને મહારાષ્ટ્ર જેવો જ વિવાદ કર્ણાટકમાં શરુ થઈ ગયો છે.

રાજ્યમાં મસ્જિદો પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવાની કાર્યવાહી સરકારે નહીં કરી હોવાથી હિન્દુ સંગઠનો નારાજ થઈ ગયા છે. તેમણે સરકારને ૮ મે સુધીનુ અલ્ટીમેટમ આપીને લાઉડ સ્પીકરો ઉતારવા માટે કહ્યુ હતુ. જોકે સરકારે કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે હિન્દુ સંગઠનોએ એલાન કર્યુ છે કે, જ્યાં સુધી સરકાર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અજાનના સમયે ૧૦૦૦ મંદિરોમાં પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.સંગઠનોનુ કહેવુ છે કે, જો અમને રોકવામાં આવ્યા તો અમે્ પોલીસ કાર્યવાહીનો સામનો કરવા માટે પણ તૈયાર છે. જ્યારે સરકાર મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવા માટે તૈયાર નથી તો અમે પણ અમારી જાતે કાર્યવાહી કરવા માટે મુક્ત છે.

આ એલાન બાદ સરકારે રાજ્યની પોલીસને એલર્ટ કરી દીધી છે. કારણકે રાજ્યમાં અગાઉ પણ હિજાબને લઈને તણાવ સર્જાઈ ચુકયો છે.

ઉલ્લેખનીય છે કે, મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને કર્ણાટક સરકાર ૨૫૦ મસ્જિદોને પહેલા જ નોટીસ આપી ચુકી છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ વધુ ૩૫૦ મસ્જિદોને નોટિસ આપવામાં આવી છે અને તેમને લાઉડ સ્પીકરનુ વોલ્યુમ ઘટાડવા માટે આદેશ આપ્યો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્બાઈએ રાજ્યમાં તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.જોકે સરકારને તણાવ ફેલાય તેવી આશંકા છે. જેના પગલે જે મંદિરોમાં લાઉડ સ્પીકરો લગાડવામાં આવ્યા છે ત્યાં વધારાના પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.

 

 

 

 

(8:16 pm IST)