Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પીડિતો કોર્ટમાં આવે રાજકીય પક્ષો નહીં ઃ સુપ્રીમની ફટકાર

શાહીનબાગમાંથી અતિક્રમણ હટાવવાના મુદ્દે સુનવણીનો કોર્ટનો ઈનકાર ઃ અતિક્રમણની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો પર તેમણે રોક નથી લગાવી, સાથે જ શાહીનબાગનો મામલો રહેણાંક મકાનો સાથે સબંધિત નથી પરંતુ રસ્તાઓ ખાલી કરવા સાથે સબંધિત છે

નવી દિલ્હી,તા.૯ ઃ સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાંથી અતિક્રમણ હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા એ પણ પૂછ્યું કે, આ મામલે પીડિતોના બદલે શા માટે રાજકીય પક્ષોએ અદાલતનો બારણે ટકોરા માર્યા.  સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દેશભરમાં અતિક્રમણની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો પર તેમણે રોક નથી લગાવી. સાથે જ શાહીનબાગનો મામલો રહેણાંક મકાનો સાથે સબંધિત નથી પરંતુ રસ્તાઓ ખાલી કરવા સાથે સબંધિત છે.  ત્યારબાદ સીપીઆઈએમ પાર્ટીએ પોતાની અરજી પરત લીધી છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ દિલ્હીના ગેર કાયદેસર નિર્માણ સામે જે કાર્યવાહી એમસીડી કરી રહી છે તેને રોકવા માટે ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી (સીપીઆઈએમ)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સાઉથ એમસીડીમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટમાં આજે બપોરે સુનાવણી થઈ હતી. કોર્ટે પૂછ્યું કે, સીપીઆઈએમ પાર્ટી આ મામલે અરજી કેમ દાખલ કરી રહી છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ પીડિત પક્ષ અમારી પાસે આવે તો સમજી શકીએ છીએ. શું કોઈ પીડિત નથી? તેના પર સીનિયર વકીલ પી સુરેન્દ્રનાથે કહ્યું કે, એક અરજી રેકડીવાળાના એસોશિએશનની પણ છે. જસ્ટિસ રાવે આગળ કહ્યું કે, તમારે હાઈકોર્ટ જવું જોઈએ. એ પણ કહેવામાં આવ્યું કે, જો રેકડીવાળા પણ નિયમ તોડશે તો તેમને પણ હટાવવામાં આવશે.

સાઉથ એમસીડીના પ્લાન પ્રમાણે આજે શાહીન બાગમાં અતિક્રમણ હટાવવાનું હતું. બુલડોઝર ત્યાં સવારે ૧૧ વાગ્યે પહોંચી ગયું હતું પરંતુ તેમને કામગીરી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું. શાહીન બાગમાં એમસીડીની એક્શનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

(8:13 pm IST)