Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્‍ચે પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ રાષ્‍ટ્રપતિને રાજીનામુ ધરી દીધુ

હિંસક પ્રદર્શન કરી રહેલા લોકોની રાષ્‍ટ્રપતિ પણ રાજીનામુ પણ આપે તેવી માંગણી

કોલંબોઃ શ્રીલંકા તેના ઇતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.શ્રીલંકામાં કટોકટી વચ્ચે હવે રાજકીય સંકટ ઊભું થયું છે.મહિન્દા રાજપક્ષેએ પોતાનું રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને સોંપી દીધું છે. ટાપુ દેશ શ્રીલંકામાં આર્થિક કટોકટીના મુદ્દે હિંસા ફાટી નીકળી હતી. લોકો આ માટે પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેને જવાબદાર ગણી રહ્યાં હતા અને ઘણા લાંબા સમયથી તેમના રાજીનામાની માગ કરી રહ્યાં હતા. પરંતુ  અત્યાર સુધી તો તેઓ મક્કમ રહ્યાં હતા પરંતુ હવે પરિસ્થિતિ હાથ બહાર જતી જોઈને તેઓ ચેત્યા હતા અને આખરે તેમણે રાજીનામું સુપ્રત કરી દીધું હતું.

રાષ્ટ્રપતિ ગોટાબાયા પણ રાજીનામું આપે-લોકોની માગ

હિંસક પ્રદર્શન કરી રહેલા લોકોની માગ છે કે ગોટાબાયા રાજપક્ષેએ પણ રાજીનામું આપવું જોઈએ.

આખો દેશ કર્ફ્યુને હવાલે

પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેના રાજીનામા પહેલા આખા દેશમાં કર્ફ્યુ જાહેર કરી દેવાયો હતો. આર્થિક સંકટને લઈને વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને મહિન્દા રાજપક્ષેના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મહિન્દા રાજપક્ષેના સમર્થકોના આ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. રાજધાની કોલંબોમાં હિંસા બાદ શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ પીએમના રાજીનામા અને સંયુક્ત સરકાર બનાવવાની માંગ સાથે સતત વિરોધ પ્રદર્શન કરી રહી હતી.

આરોગ્ય પ્રધાન ચન્ના જયસુમાનાએ પણ આપ્યું રાજીનામું

મહિન્દા રાજપક્ષે પછી તેમના મંત્રીમંડળમાં આરોગ્ય પ્રધાન રહેલા પ્રોફેસર ચન્ના જયસુમાનાએ પણ રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું હતું. ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટી અંગેના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો બાદ વડા પ્રધાન અને આરોગ્ય પ્રધાને તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. રાજધાની કોલંબોમાં સોમવારે આર્થિક સંકટને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી.

તેની સાથે જ રાજકીય સૂત્રોથી જાણવા મળે છે કે, શ્રીલંકાના કેબિનેટ મંત્રી, પ્રસન્ના રણતુંગા, નાલકા ગોડાહેવા અને રમેશા પથિરાના, સહિત દેશના પ્રધાનમંત્રી તરીકે રાજીનામુ આપનારા મહિન્દ્રા રાજપક્ષેના નિર્ણય સાથે સહમત છે. જો કે, કેબિનેટ મંત્રીઓમાં વિરોધાભાસમાં મંત્રી વિમલવીરા દિલાનાયકેએ કહ્યું હતું કે, દેશને સંકટથી નિવારણ માટે મહિન્દ્રાનું રાજીનામું બેકાર સાબિત થશે.

(5:35 pm IST)