Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વરરાજાએ ધોતી-કુર્તાના બદલે શેરવાની પહેરી તો લગ્નમાં બબાલઃ બંને પક્ષો વચ્‍ચે થઇ મારામારી

દૂલ્‍હનના પરિવારજનો ઇચ્‍છતા હતા કે વરરાજા પારંપરિક ધોતી અને કુર્તો પહેરીને આવેઃ જોકે તેણે આમ ન કરતા પરિવારજનો ગુસ્‍સે ભરાયા : વિવાદ પછી બન્ને પક્ષોએ એકબીજા સામે પોલીસમાં કેસ નોંધાવ્‍યો

ભોપાલ, તા.૯: મધ્‍ય પ્રદેશના ધારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્‍યો છે. વરરાજાએ લગ્નમાં ફેરા દરમિયાન શેરવાની પહેરતા દૂલ્‍હનના પરિવારજનો એટલા ગુસ્‍સે ભરાયા કે તેમણે જાનૈયાઓ સાથે ખરાબ વ્‍યવહાર કર્યો હતો. આ મામલો એટલો વધી ગયો કે બન્ને પક્ષો વચ્‍ચે પત્‍થરબાજી થઇ હતી. વરરાજાએ જેમ તેમ કરીને દૂલ્‍હનને ભગાવી અને પોતાનો જીવ બચાવ્‍યો હતો. દૂલ્‍હનના પરિવાજનો ઇચ્‍છતા હતા કે વરરાજા પારંપરિક ધોતી અને કુર્તો પહેરીને આવે. જોકે તેણે આમ ન કરતા પરિવારજનો ગુસ્‍સે ભરાયા હતા. આ અજીબ ઘટના ધારના માંગબયડા ગામની છે. વિવાદ પછી બન્ને પક્ષોએ એકબીજા સામે પોલીસમાં કેસ નોંધાવ્‍યો હતો.
જાણકારી પ્રમાણે ધારના અર્જુન કોલોનીમાં રહેતા સુંદરલાલની જાન શુક્રવારે ધામનોદ પાસે માંગબયડા ગામે પહોંચી હતી. જેવો લગ્નના ફેરા થવાનો સમય આવ્‍યો તો યુવતીના પરિવારજનો વિવાદ કરવા લાગ્‍યા હતા. દૂલ્‍હનના પરિવારજનોએ વરરાજાની શેરવાની પર આપત્તિ વ્‍યક્‍ત કરી હતી. તે તેને પરંપરા પ્રમાણે ધોતી-કૂર્તો પહેરવાનું કહેવા લાગ્‍યા હતા. બીજી તરફ વરરાજા અને તેમના પરિવારજનોએ શેરવાનીમાં ફેરા ફરવાની વાત કરી હતી. જેના પર વિવાદ થયો હતો.
વિવાદ વધતો જોઇને વરરાજાના પરિવારજનો ઉઠી ગયા અને ગામમાં જ રહેતા પોતાના સંબંધી કુલદીપના ઘરે ચાલ્‍યા ગયા હતા. અહીં ચર્ચા થતી હતી ત્‍યારે કોઇએ આવીને જણાવ્‍યું કે જાનૈયા અને દૂલ્‍હનના પક્ષ વચ્‍ચે મારપીટ થઇ રહી છે. લોકો એકબીજાને પથ્‍થર મારી રહ્યા છે. આ ડ્રામા લગભગ ૪ કલાક ચાલ્‍યો હતો.
પરિસ્‍થિતિ જોતા વરરાજા દૂલ્‍હનને લઇને ઘાર રવાના થયો હતો. બન્નેએ સાત ફેરા ફર્યા હતા. આ મુદ્દે વરરાજાનું કહેવું છે કે વરરાજા અને દૂલ્‍હનના પરિવારજનો વચ્‍ચે કોઇ વિવાદ થયો ન હતો. કેટલાક સંબંધીઓ શેરવાની ના પહેરીને ધોતી-કુર્તો પહેરવાની જીદ કરવા લાગ્‍યા હતા અને વિવાદ વધી ગયો હતો. ધામનોદ પોલીસ સ્‍ટેશનના ટીઆઈ સુનીલ યદુવંશીએ કહ્યું કે વરરાજા અને દુલ્‍હનના પરિવારજનો વચ્‍ચે વિવાદ સામે આવ્‍યો છે. કેસ નોંધીને તપાસ શરુ કરી દેવામાં આવી છે. જે પણ તથ્‍ય સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

 

(4:00 pm IST)