Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

અદાણી ગ્રીનનું બજાર મૂલ્‍ય સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા કરતા વધુ

અદાણીએ SBIને પછાડી : દેશની સાતમી સૌથી મોટી કંપની

નવી દિલ્‍હી, તા.૯: અદાણી સમૂહના શેરમાં કોરોનાકાળ બાદ રોકેટ ગતિએ એકતરફી તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહના બજારના કડાકામાં પણ અદાણી સમૂહના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. ભારતની ટોચની ૧૦ કંપનીઓમાં એક મહિના અગાઉ શામેલ થયેલ અદાણી ગ્રીન એનર્જી હવે દેશની સાતમી સૌથી મૂલ્‍યવાન કંપની બની ગઈ છે. નવા સપ્તાહની શરૂઆતના સત્રમાં જ બજારમાં લાલચોળ મંદી જોવા મળી રહી છે પરંતુ અદાણી ગ્રીન એનર્જીએ દેશની સૌથી મોટી બેંક લ્‍ગ્‍ત્‍ને બજાર મૂલ્‍યમાં પછાડીને સાતમી સૌથી મોટી કંપનીનું બિરૂદ મેળવ્‍યું છે.

અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ કેપિટલ આશરે રૂ. ૪,૪૯,૨૫૫ કરોડ છે જયારે SBIનુ બજાર મૂડી લગભગ રૂ. ૪,૩૨,૨૬૩ કરોડ છે. અદાણી ગ્રીનના શેર ૨૦૨૨માં મલ્‍ટીબેગર શેરોમાંનો એક છે કારણ કે આ વર્ષે અત્‍યાર સુધી લગભગ ૧૧૦ ટકા વળતર આપ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રીન પહેલી નોન-નિફટી ૫૦ કંપની છે, જેણે આ ટોચના ક્‍લબમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા છ મહિનામાં અદાણી ગ્રીનના શેરના ભાવમાં તેજીને કારણે ITC, ભારતી એરટેલ, કોટક મહિન્‍દ્રા બેંક, HDFC લિમિટેડ, બજાજ ફાઇનાન્‍સ અને SBI જેવી દિગ્‍ગજ કંપનીઓને માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ પછાડી છે.

છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રીનનો શેર લગભગ રૂ.૨૬૬૫ થી ૭% વધીને રૂ. ૨૮૫૬ થયો છે. ૨૦૨૨ના વર્ષમાં આ સ્‍ટોક લગભગ રૂ.૧૩૫૦થી ૧૧૦% ઉછળીને રૂ.૨૮૫૬ને સ્‍તરે પહોંચ્‍યો છે. છેલ્લા ૬ મહિનામાં અદાણી જૂથના શેરમાં ૧૩૫ અને એક વર્ષમાં ૧૬૦%નો બમ્‍પર વધારો જોવા મળ્‍યો છે.

શેરબજારમાં લિસ્‍ટેડ કંપનીઓમાં બજાર મૂલ્‍યની દ્રષ્ટિએ અદાણી ગ્રીન એનર્જી કરતા હવે છ કંપનીઓ, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, TCS, HDFC બેન્‍ક, ઇન્‍ફોસિસ, HUL અને ICICI બેન્‍કનું જ બજાર મૂલ્‍ય વધુ છે. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લગભગ રૂ. ૧૭,૭૨,૯૭૧ કરોડની માર્કેટ કેપિટલ સાથે દેશની સૌથી મૂલ્‍યવાન કંપની છે અને ત્‍યારબાદ TCSનું બજાર મૂલ્‍ય રૂ. ૧૨,૫૬,૪૭૮ કરોડ છે

(3:27 pm IST)