Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વિશ્વના તમામ બિટકોઈન્‍સ ૨૫ ડોલરમાં પણ ખરીદીશ નહીં: વોરેન બફેટ

અન્‍ય વિકલ્‍પો સાથે બિટકોઈન (બીટીસી)ની સરખામણી કરતા, વોરેન બફેટે જણાવ્‍યું હતું કે બીટકોઈન એ ઉત્‍પાદક સંપતિ નથી, તેમાંથી કંઈ વળતર નથી

રાજકોટ, તા.૦૯: એવું લાગતું નથી કે સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ ટૂંક સમયમાં કોઈપણ સમયે તેમના પોર્ટફોલિયોમાં બિટકોઈન ઉમેરશે. લોકપ્રિય અમેરિકન અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ માને છે કે બિટકોઈન સહિત ક્રિપ્‍ટોકરન્‍સીમાં રોકાણ કરવું નકામું છે. તેમણે બર્કશાયર હેથવેની વાર્ષિક શેરહોલ્‍ડર મીટિંગમાં જણાવ્‍યું હતું કે ક્રિપ્‍ટોમાં દ્યણી ખામીઓ છે અને તેઓ ક્રિપ્‍ટોકરન્‍સીમાં કોઈ મૂલ્‍ય જોતા નથી. તેઓ માને છે કે બિટકોઈન તેની કિંમત વધે કે ન વધે તે કંઈપણ મૂલ્‍યવાન ઉત્‍પાદન કરતું નથી. તેમના મતે, ક્રિપ્‍ટોકરન્‍સી એક નિષ્‍ક્રિય સંપત્તિ છે, અને રોકાણકારો લાંબા ગાળે તેની કિંમત વધશે અને તેઓ સારી કમાણી કરશે તેવી આશાએ તેને ખરીદે છે અને પકડી રાખે છે.

વિશ્વના ૯૧ વર્ષીય રોકાણકાર વોરેન બફેટે તેમના જવાબની શરૂઆત એમ કહીને કરી કે, જો રૂમમાં હાજર તમામ લોકો પાસે ‘યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં તમામ ફાર્મલેન્‍ડ' અથવા ‘દેશના તમામ એપાર્ટમેન્‍ટ્‍સ'ની માલિકી હોય અને તેઓએ તેમને ૨૫ બિલિયન ડોલરમાં ૧ ટકા હિસ્‍સો ઓફર કરે, તો તે ત્‍યાંજ ચેક લખી આપશે. પરંતુ ‘જો તમે વિશ્વના તમામ બિટકોઈન્‍સની માલિકી ધરાવો છો અને તમે મને તે ઼૨૫ માં વેચી દો, તો પણ હું તે લઈશ નહીં, કારણ કે પછી હું તેમની સાથે શું કરીશ? મારે તે તમને એક યા બીજી રીતે પાછા આપવા પડશે. બીટકોઇનથી કંઈ થવાનું નથી.' તેમણે ખેતીની જમીન અને ભાડાની મિલકતો વિરુદ્ધ બિટકોઇન પરના તેમના મંતવ્‍યોનું વર્ણન કર્યું હતું.

બફેટ અગાઉ બિટકોઈનની ટીકા કરી ચૂક્‍યા છે. તેમનું માનવું છે કે ક્રિપ્‍ટોકરન્‍સીમાં એક પ્રકારનો જાદુ હોય છે અને લોકો હંમેશા જાદુને ઘણી વસ્‍તુઓ સાથે જોડે છે. ક્રિપ્‍ટોમાં ઘણી ખામીઓ છે અને તેઓ ક્રિપ્‍ટોકરન્‍સીમાં કોઈ મૂલ્‍ય જોતા નથી. તેઓ માને છે કે બિટકોઈન તેની કિંમત વધે કે ન વધે તે કંઈપણ મૂલ્‍યવાન ઉત્‍પાદન કરતું નથી. તેમણે કહ્યું કે કોઈ વસ્‍તુને માત્ર ત્‍યારે જ સંપત્તિ ગણવી જોઈએ જો તે વસ્‍તુ તમને મૂલ્‍ય પાછી આપે, પરંતુ બિટકોઈનમાં આવું નથી.

(3:10 pm IST)