Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ભાષણ આપતા NSDLચીફનું ગળું સુકાઇ ગયું : પાણીનો ગ્‍લાસ લઇને પહોંચ્‍યા નિર્મલા સીતારમણ

આને કહેવાય વિનમ્રતા

મુંબઈ તા. ૯ : કેન્‍દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નેશનલ સિક્‍યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના મેનેજિંગ ડિરેક્‍ટરને પાણી આપતી જોવા મળે છે. હકીકતમાં, નેશનલ સિક્‍યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર પદ્મજા ચંદુરુ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.

ભાષણ આપતી વખતે ચુન્‍દ્રુએ સ્‍ટાફ પાસેથી પાણી માંગ્‍યું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમની પાસે ગયા અને તેમણે પાણી આપ્‍યું. વીડિયોમાં નાણામંત્રી પોતાની સીટ પરથી ઉભા થઈને કાર્યક્રમને સંબોધિત કરી રહેલા એમડી પદ્મજા ચુન્‍દુરુને પાણીનો ગ્‍લાસ આપતા જોવા મળે છે. નિર્મલા સીતારમણના આ વર્તને ત્‍યાં હાજર લોકોનું દિલ જીતી લીધું અને લોકોએ તેના માટે જોરદાર તાળીઓ પાડી. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો શનિવારે એનએસડીએલના સિલ્‍વર જયુબિલી કાર્યક્રમનો છે, જે મુંબઈમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે હિન્‍દી અને અન્‍ય પ્રાદેશિક ભાષાઓમાં વિદ્યાર્થીઓ માટે NSDLનો રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ ‘માર્કેટ કા એકલવ્‍ય' શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘બજાર કા એકલવ્‍ય' દ્વારા, તમે એવા ઘણા લોકો સુધી પહોંચી શકશો જેમને નાણાકીય સાક્ષરતાની જરૂર છે. આ યોગ્‍ય સમય છે જયારે લોકોમાં બજાર વિશે જાણવાનો ઝોક હોય છે.

(12:17 pm IST)