Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રૂપિયો કડડડભૂસ... ૧ ડોલરના થયા રૂા.૭૭.૫૬

રૂપિયામાં ઐતિહાસિક કડાકોઃ ઉંધા માથે પછડાયોઃ ડોલર સામે રૂપિયો ઓલટાઇમ લોની સપાટીએ પહોંચ્‍યો : ક્રુડ-વિદેશ યાત્રા-ખાતર-રસાયણ-ઇલેકટ્રોનિક સામાનથી લઇને ઘરેણા મોંઘા થશે

મુંબઇ તા. ૯: ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી જતા જબરી હલચલ મચી જવા પામી છે. આજે ડોલર સામે રૂપિયો ગગડીને ૭૭.૫૬ સુધી પહોંચ્‍યો હતો.

ચીનમાં લોકડાઉન, યુરોપમાં આર્થિક ખળભળાટ, અમેરિકી વ્‍યાજદરમાં વધારો અને યુદ્ધની અસર સ્‍વરૂપ રૂપિયો એકધારો તૂટી રહ્યો છે.

શુક્રવારે રૂપિયો ઓલટાઇમ લો એટલે કે ૭૭.૦૫ પર બંધ રહ્યો હતો જે આજે ઉઘડતી બજારે ૭૭.૨૦ ઉપર ખુલ્‍યો હતો અને વધુ તુટી ૭૭.૫૬ સુધી પહોંચ્‍યો હતો.

ડોલર સામે રૂપિયો નીચી સપાટીએ પહોંચી જતા આયાત મોંઘી થશે અને તેને કારણે ઘરઆંગણે મોંઘવારી પણ વધુ બિહામણી રીતે ધુણવા માંડશે તેવું જણાય છે. અનેક ચીજ-વસ્‍તુઓ ઉપર તેની માઠી અસર થવાની શક્‍યતા છે.  આગામી દિવસોમાં ક્રુડ-વિદેશ યાત્રા-ખાતર-રસાયણ-ઇલેકટ્રોનિક સામાનથી લઇને ઘરેણા સુધીની ચીજ-વસ્‍તુઓના ભાવ વધે તેવી શક્‍યતા છે.            રૂપિયો આજે સોમવારે અમેરિકી ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ પહોંચ્‍યો હતો. આજે સવારે સ્‍થાનિક કરન્‍સી ૭૭.૨૮ પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. તે અગાઉના ૭૬.૯૩ના બંધ કરતાં ૦.૪૮ ટકા નીચો હતો. રૂપિયો ૭૭.૦૬ પર ખુલ્‍યો અને ૭૭.૪૭ પ્રતિ ડોલરની નીચી સપાટીએ પહોંચ્‍યો. છેલ્લી વખત ૭ માર્ચ, ૨૦૨૨ના રોજ રૂપિયો ૭૬.૯૮ની નીચી સપાટીએ આવ્‍યો હતો. ફુગાવાની ચિંતા વચ્‍ચે વૈશ્વિક ઈક્‍વિટીમાં ઘટાડાની અસર રૂપિયા પર પણ દેખાઈ રહી છે.

મોંઘવારીને લઈને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. તેમનો પ્રશ્ન એ છે કે શું ફેડરલ રિઝર્વનો વ્‍યાજદરમાં વધારો ફુગાવાને રોકવા માટે પૂરતો છે. તે જ સમયે, બેંક ઓફ ઈંગ્‍લેન્‍ડે, તેના વ્‍યાજ દરોમાં વધારો કરતી વખતે, મંદીના સંભવિત જોખમની ચેતવણી આપી હતી. વૈશ્વિક બજારના ઘટાડા પાછળ આ તમામ કારણોની મોટી ભૂમિકા છે. તેની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે.

વિશ્‍લેષકોએ જણાવ્‍યું હતું કે રુસો-યુક્રેન યુદ્ધના સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને અનિશ્‍ચિતતાની દ્રઢતાએ વૈશ્વિક સ્‍તરે ફુગાવાના દબાણને દબાવી રાખ્‍યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે પણ ચલણમાં ઘટાડો થયો હતો.એફઆઈઆઈ લગભગ ઼૨૨.૩૧ બિલિયનના ઈક્‍વિટીના વેચાણ સાથે સતત સાતમા મહિને ચોખ્‍ખા વેચાણકર્તા રહ્યા છે.

સ્‍થાનિક રીતે, રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા પણ ફુગાવાની વધતી ચિંતા વચ્‍ચે વ્‍યાજ દરોમાં વધારો કરી રહી છે અને તેને ચાલુ રાખવાનો સંકેત આપ્‍યો છે. ૧૦ વર્ષની બોન્‍ડ યીલ્‍ડ ૩ બેસિસ પોઈન્‍ટ વધીને ૭.૪૮૪ ટકા થઈ છે. ગયા અઠવાડિયે આરબીઆઈના અચાનક દરમાં વધારા પછી બોન્‍ડ યીલ્‍ડમાં ૩૫ બેસિસ પોઈન્‍ટ્‍સથી વધુનો વધારો થયો છે.

યુએસ ફેડ દ્વારા દરમાં વધારો અને યુએસ અર્થતંત્ર માટે સાનુકૂળ દેખાવ બાદ સ્‍થાનિક મૂડીબજારમાંથી મોટી માત્રામાં ભંડોળ પાછું ખેંચવામાં આવી રહ્યું છે. જાન્‍યુઆરી ૨૦૨૧ની નીતિથી, જયારે ફેડએ દરમાં વધારો કરવાનો સંકેત આપ્‍યો હતો અને બેલેન્‍સ શીટને સંકોચવાનું શરૂ કર્યું હતું, ત્‍યારે સ્‍થાનિક મૂડી બજારોમાંથી ઼૧૯ બિલિયનનું ભંડોળ ખેંચવામાં આવ્‍યું હતું. ભંડોળના પ્રવાહ અને વધતી જતી વેપાર ખાધને કારણે રૂપિયા પર વધુ દબાણ વધી શકે છે. એડલવાઈસ વેલ્‍થ રિસર્ચે એક નોટમાં રોકાણકારોને આ માહિતી આપી છે.

ઘટતા રૂપિયાની આપણા પર સર્વાંગી અસર પડે છે. રૂપિયાના ઘટાડાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો ખતરો વધુ વધી ગયો છે. ડોલર સામે રૂપિયો ગગડવાનો અર્થ એ છે કે અન્‍ય દેશોમાંથી આયાત મોંઘી છે. જો બહારથી આયાત કરવામાં આવેલ માલ વધુ ભાવે મંગાવવો પડશે તો નુકસાન થશે. એટલે કે વેપાર ખાધ વધશે. વિદેશ પ્રવાસે જતા લોકોને પણ રૂપિયાના અવમૂલ્‍યનનું નુકસાન સહન કરવું પડે છે.

(4:07 pm IST)