Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પાકિસ્‍તાનઃ ‘આમીર લિયાકત શેતાન કરતાં પણ ખરાબ છે...': ૩૧ વર્ષ નાની પત્‍નીએ છુટાછેડા માટે ઘર,ધરેણા અને ૧૧૫ મિલિયન માગ્‍યા

તેની ત્રીજી પત્‍ની સૈયદા દાનિયા પાકિસ્‍તાની ટીવી હોસ્‍ટ આમિર લિયાકતને છુટાછેડા આપશે : આ માટે તેણે કોર્ટમાં અરજી કરી છે

નવી દિલ્‍હી,તા. ૯ : પાકિસ્‍તાનના પીટીઆઈ સાંસદ અને પ્રખ્‍યાત ટીવી હોસ્‍ટ આમિર લિયાકતની ત્રીજી પત્‍ની સૈયદા દાનિયા શાહે તેમની પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. તેણે ખુલા (મહિલાનો છૂટાછેડાનો અધિકાર) માટે અરજી દાખલ કરી છે, જેમાં જણાવ્‍યું છે કે આમિર ટીવી પર દેખાતો હતો તેવો બિલકુલ નથી અને તે શેતાન કરતા પણ ખરાબ છે.

પોતાના પતિ સાથેના સંબંધો વિશે જણાવતાં દાનિયાએ અરજીમાં જણાવ્‍યું હતું કે આમિર સાથેના લગ્નને ચાર મહિના વીતી ગયા છે અને આ ચાર મહિનામાં પીડા સિવાય બીજું કશું મળ્‍યું નથી. દાનિયાએ આરોપ લગાવ્‍યો છે કે પીટીઆઈના સાંસદ તેને એક નાના રૂમમાં રાખતા હતા. આ સિવાય તેણે કહ્યું કે તે દારૂના નશામાં મને મારતો હતો. તેણે કહ્યું કે આમિર મને અને મારા પરિવારને ગંભીર પરિણામોની ધમકી પણ આપી રહ્યો છે.

છૂટાછેડા ઉપરાંત દાનિયાએ ફેમિલી કોર્ટમાં વધુ કેસ દાખલ કર્યા છે. તેણીની અરજીમાં, તેણે કોર્ટને વિનંતી કરી છે કે તે તેના પતિને ૧૧૫ મિલિયન પાકિસ્‍તાની રૂપિયાથી વધુના હકદાર મહેર, ઘર અને ઘરેણાં ચૂકવવાનો આદેશ આપે. દાનિયાની અરજી પર ૭ જૂને કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

આમિર શાહ લિયાકત અને સૈયદા દાનિયાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. ૪૯ વર્ષીય આમિર અને ૧૮ વર્ષની સૈયદાના લગ્ન સમાચારોમાં હતા. આમિર લિયાકત તેની ૩૧ વર્ષ નાની પત્‍ની સાથે લગ્ન કરવાને કારણે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો.

તમને જણાવી દઈએ કે આમિર લિયાકત સાંસદની સાથે પાકિસ્‍તાનના લોકપ્રિય ટીવી હોસ્‍ટ પણ છે. આ સાથે તેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પણ નજીકના માનવામાં આવે છે. આમિર લિયાકત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્‍ટિવ રહે છે. તેના ફોલોઅર્સની સંખ્‍યા લાખોમાં છે. 

(11:06 am IST)