Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ત્રણ વર્ષ પછી ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન:ગૃહ મંત્રાલએ આપ્યું 'સિક્યોરિટી ક્લિયરન્સ'

એરલાઈન પ્રારંભિક તબક્કામાં માત્ર મહિલા ક્રૂ સાથે ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

નવી દિલ્હી :જેટ એરવેઝ, જે આગામી કેટલાક મહિનામાં કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે, તેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા મંજૂરી મળી ગઈ છે. એક સત્તાવાર દસ્તાવેજમાં આ માહિતી આપવામાં આવી છે. હાલમાં જેટ એરવેઝના પ્રમોટર જાલાન-કાલરોક કન્સોર્ટિયમ છે. અગાઉ એરલાઈનની માલિકી નરેશ ગોયલની હતી.

જેટ એરવેઝે તેની છેલ્લી ફ્લાઈટ 17 એપ્રિલ 2019ના રોજ લીધી હતી. જેટ એરવેઝ, જે ત્રણ વર્ષ પછી ફરીથી તેનું સંચાલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યુ છે, તેણે ગુરુવારે હૈદરાબાદ એરપોર્ટ પર તેની એક ફ્લાઇટનું પરીક્ષણ પણ કર્યું હતું, જેથી એર ઓપરેટરનું પ્રમાણપત્ર મેળવી શકાય. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 6 મેના રોજ એરલાઈનને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા મંજૂરી આપવા અંગે માહિતી આપવામાં આવી હતી.

એર ઓપરેટર સર્ટિફિકેટ મેળવવા માટે કંપનીએ ગયા ગુરુવારે હૈદરાબાદ એરપોર્ટથી તેની ફ્લાઈટનું પરીક્ષણ કર્યું હતું. 6 મેના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક પત્ર મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝને ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા મંજૂરી મળી છે. ગુરુવારના ફ્લાઈટ પરીક્ષણ પછી, કંપનીએ ફ્લાઈટ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ પાસેથી એર ઓપરેટર પ્રમાણપત્ર મેળવવા માટે બહુવિધ ફ્લાઈટ્સનું સંચાલન કરવું પડશે. આ કોમર્શિયલ ફ્લાઈટ્સ જેવી હશે અને તેના પેસેન્જર ડીજીસીએ અને એરલાઈન્સના અધિકારીઓ હશે.

અગાઉ, એક નિવેદનમાં જેટ એરવેઝે કહ્યું હતું કે એરલાઈન પ્રારંભિક તબક્કામાં માત્ર મહિલા ક્રૂ સાથે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. નિવેદન અનુસાર ચોક્કસ ઓપરેશનલ સ્તર હાંસલ કર્યા પછી તે ફ્લાઈટ્સનું સંચાલન કરવા માટે પુરુષ ક્રૂને પણ જોડશે. જેટ એરવેઝના પ્રવક્તાએ કહ્યું હતું કે "હાલની જેમ, વર્તમાન સ્ટાર્ટઅપ તબક્કામાં અમારી કેબિન ક્રૂમાં માત્ર મહિલાઓ છે. પરંતુ બધાને સમાન તક આપતા એમ્પ્લોયર તરીકે અમારી પાસે આગળ જતાં કેબિન ક્રૂ તરીકે પુરુષો હશે. ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો માત્ર મહિલા કેબિન ક્રૂ સભ્યો સાથે કામ કરી રહી છે. તે જ સમયે વિસ્તારા અને એર ઈન્ડિયા પુરૂષ કેબિન ક્રૂ સભ્યોને રોજગારી આપે છે. સ્પાઈસજેટ, ગોફર્સ્ટ અને એરએશિયા ઈન્ડિયામાં પણ પુરુષ ક્રૂ મેમ્બર છે.

   
(12:02 am IST)