Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

નાણામંત્રીની નમ્રતા : કાર્યક્રમમાં MDએ માંગ્યું પાણી :સ્ટાફ આપે તે પહેલા જાતે આપી આવ્યાં

ટ્વિટર પર ઝડપથી શેર થઈ રહ્યો છે નાણામંત્રીનો વીડિયો: એનએસડીએલના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમની ઘટના

  • મુંબઈ : એનએસડીએલના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણની વિનમ્રતા જોવા મળી છે.તેમનો એક વીડિયો ટ્વિટર પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં નિર્મલા સીતારામણ NSDLના એમડી પદ્મજા ચુંદરુને પાણીનો ગ્લાસ આપતા જોવા મળી રહ્યાં છે. નાણા મંત્રીના આ વ્યવહારની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

    શનિવારે મુંબઈમાં નેશનલ સિક્યુરીટી ડિપોઝિટરી લિમિટેડની સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં નિર્મલા સીતારામણ આવ્યાં હતા. તેઓ પહેલા ભાષણ આપીને બેસી ગયા હતા ત્યાર બાદ NSDLના એમડી પદ્મજા ચુંદરુ ભાષણ આપવા આવ્યા હતા.

      કાર્યક્રમમાં પદ્મજા ચુંદરુનું સંબોધન ચાલી રહ્યું હતું. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ચુંદરુએ હોટલ સ્ટાફ પાસે પાણી માગ્યું હતું. પરંતુ હોટલ સ્ટાફ પાણી આપે તે પહેલા ખુદ સીતારામણ પોતાની જગ્યાએથી ઊભા થઈને પાણીની બોટલ લઈને પહોંચી ગયા અને ચુંદરુને પાણીની બોટલ આપી હતી. નાણામંત્રીનું આવું કામ જોઈને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. પદ્મજાએ નાણામંત્રીનો આભાર માન્યો અને ગ્લાસમાં પાણી પીધું. જે બાદ તેમણે ફરીથી કાર્યક્રમને સંબોધન કરવાનું શરૂ કર્યું.

      આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. એક ટ્વિટર યુઝર સંદીપ સિક્કાએ લખ્યું, 'NSDL ઇવેન્ટઃ સ્પીચ આપતી વખતે NSDL MD પદ્મજાએ હોટલ સ્ટાફને પાણી માટે વિનંતી કરી. એટલામાં જ નાણામંત્રી ઉભા થાય છે, સ્ટેજ પર પહોંચીને પદ્મજાને પાણીની બોટલ આપે છે. કેવું અદ્ભુત વર્તન!! હું ખરેખર તમારી નમ્રતાનું સન્માન કરું છું.

      નિર્મલા સીતારમણે શનિવારે સાંજે એક કાર્યક્રમમાં મુખ્ય વ્યાજ દરો વધારવાના નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંકના દરમાં વધારો કરવાનો સમય આશ્ચર્યજનક હતો, રેપો રેટના વધારાની લોકોને આશા નહોતી.

   
 
   
(10:56 pm IST)