Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બંગાળની ખાડીમાં 'આસાની' ચક્રવાત 16 કિમી પ્રતિ કલાકની ઝડપે ધસમસતું વધે છે આગળ : 24 કલાકમાં વધુ તીવ્ર બનશે

ઉત્તર-પશ્ચિમ દિશામાં અને ઓડિશાના કિનારે સમાંતર આગળ વધશે: કાલે ચક્રવાતી તોફાન ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે: ઓડિશાના ત્રણ જિલ્લા ગજપતિ, ગંજમ પુરીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર: પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી :  ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા ચક્રવાત 'આસાની'માં વધુ તીવ્ર બન્યું છે અને આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બનશે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ ચક્રવાત રવિવાર સાંજ સુધીમાં તેની અસર બતાવશે.

તે 24 કલાકની અંદર પૂર્વ-મધ્યમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે ચક્રવાત 'આસાની' ઉત્તર-પશ્ચિમ દિશામાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં 970 કિમી અને પુરીથી દક્ષિણ-પૂર્વ દિશામાં 1020 કિમી દૂર છે.

તેમણે કહ્યું કે, તે 10 મેની સાંજ સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઓડિશાના કિનારે સમાંતર આગળ વધશે. ઉમાશંકર દાસે કહ્યું કે આ ચક્રવાતી તોફાન 10 મે સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ રાજ્યોમાં તે જ દિવસે સાંજથી વરસાદ શરૂ થશે. ઓડિશાના ત્રણ જિલ્લા ગજપતિ, ગંજમ પુરીમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 11 મેના રોજ ઓડિશાના પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવા માટે એલર્ટ જાહેર કર્યું છે. 9 મે અને 10 મેના રોજ ઓડિશાના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખરાબ રહેશે.

બીજી તરફ ઉત્તર મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં 8 થી 12 મે દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે. તેવી જ રીતે, પશ્ચિમ રાજસ્થાનમાં 8 થી 12, દક્ષિણ હરિયાણા પૂર્વ રાજસ્થાનમાં 9 થી 12, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 થી 9, દક્ષિણ પંજાબ જમ્મુ વિભાગમાં 10 થી 12 મે સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ દિલ્હીમાં આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. જો કે, ચક્રવાત આસાનીના કારણે બિહારના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

 

(9:58 pm IST)