Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ છે

કોંગી નેતા રાહુલ ગાંધીના પ્રહાર

નવી દિલ્હી,તા.૯ : એક તરફ દેશ કોરોના સંક્રમણની બીજી લહેર સામે ઝઝુમી રહ્યો છે તો બીજી બાજુ સેનટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓએ આ અંગે સવાલ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, દેશને પીએમ આવાસ નહીં શ્વાસ જોઈએ! કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સતત વિવાદોમાં ફસાતી જણાઈ રહી છે. દિલ્હીમાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ છે પરંતુ કોરોના કાળમાં તેને રોકવાની માંગણી જોર પકડી રહી છે. ગત શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીકર્તાએ ભાર આપીને કહ્યું છે કે, સમયની ગંભીરતા સમજીને આ પરિયોજના હાલ પૂરતી રોકી દેવી જોઈએ. રાજપથ પરના આશરે ૨.૫ કિમી લાંબા રસ્તાને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે. ઈન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીના સેન્ટ્રલ વિસ્ટા માર્ગમાં આશરે ૪૪ ઈમારતો આવે છે. તેમાં સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઝોનને રિ-પ્લાન કરવામાં આવી રહ્યો છે જેનું નામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રાખવામાં આવ્યું છે. તેનો ખર્ચો આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા થયો છે.

(7:24 pm IST)