Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

આસામના મુખ્યપ્રધાન તરીકે હિંમત બિસ્વા, આજે શપથ લેશે

મથામણ બાદ આસામના મુખ્યમંત્રીપદનું કોકડું ઉકેલાયું : સીએમ સોનોવાલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સરમા નામ પર મોહર મારી દેવાઈ

ગુવાહાટી, તા. ૯  : લાંબી મથામણો બાદ આખરે આસામની મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બીરાજશે તે નક્કી થઈ ગયું છે. ગુવાહાટીમાં ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હિમંત બિસ્વા સરમા નામ પર મોહર મારવામાં આવી છે. હવે તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પહેલા સીએમ સર્બાનંદ સોનોવાલે રાજ્યપાલ જગદીશ મુખીને પોતાનું રાજીનામું સોંપી દીધું. હિમંત બિસ્વા કાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ગુવાહાટી લાયબ્રેરી ઓડિટોરિયમમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર સિવાય અરુણ સિંહ, બીએલ સંતોષ અને બીજે પાંડા પણ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય દળની બેઠકમાં હિમંત બિસ્વા રસમાને નેતા પસંદ કરવામાં આવ્યા. તેમના નામની પહેલાથી જ ચર્ચા થઈ રહી હતી. ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને કેન્દ્રમાં મોકલવામાં આવી શકે છે. ૨૦૧૬માં આસામના સીએમ બનતા પહેલા સોનોવાલ મોદી સરકારમાં સ્પોર્ટ્સ મંત્રાલયમાં હતા.

આસામના નવા મુખ્યમંત્રીને લઈને ભાજપમાં વિચાર-વિમર્શ હતો, પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ હિમંત બિસ્વા સરમા અને સર્બાનંદ સોનોવાલ બન્નેને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. બન્ને નેતાઓ સાથે પહેલા અલગ-અલગ અને પછી સાથે બેસાડીને વાત કરવામાં આવી હતી. આ પછી હિમંતનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યું હતું. આસામમાં બીજી વખત ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. હિમંત બિસ્વા સરમાનું જોરદાર પ્રચાર અભિયાન ભાજપની જીત માટે મહત્વનું મનાય છે.

૧ ફેબ્રુઆરી ૧૯૬૯માં ગુવાહાટીમાં જન્મેલા બિસ્વા સરમાના પરિવારમાં માતા મૃણાલિની દેવી, પત્ની રિનિકી ભુયાન અને બે બાળકો છે. કામરુપ એકેડમીથી ભણવાનું શરુ કર્યા બાદ તેમણે કોટન કૉલેજ ગુવાહાટીમાં એડમિશન લીધું. પોલિટિકલ સાયન્સમાં પીજી બિસ્વા સરમા વિદ્યાર્થી જીવનથી રાજકારણમાં સક્રિય રહ્યા છે. ૧૯૯૧-૯૨માં તેઓ કોટન કૉલેજ ગુવાહાટીના જનરલ સેક્રેટરી બન્યા. તેઓ ગવર્મેન્ટ લૉ કૉલેજથી એલએલબી અને ગુવાહાટી કૉલેજથી પીએચડીની ડિગ્રી લીધી. ૫ વર્ષ સુદી તેમણે ગુવાહાટી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી. મે ૨૦૦૧માં તેઓ પાછલી વખતે જાલુકબારી સીટથી જીત્યા.

આસામની પાછલી સરકારમાં તેઓ નાણા, કૃષિ અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યા જેવા મહત્વના મંત્રાલયોના મંત્રી રહ્યા. જ્યારે બેડમિન્ટન એસોસિએશનના પ્રેસિડેન્ટ અને આસામ ક્રિકેટ એસોસિએશનના તેઓ વાઈસ પ્રેસિડેન્ટ પદ પર રહ્યા. તત્કાલીન સીએમ તરુણગોગોઈથી વિદાય બાદ જુલાઈ ૨૦૧૪માં તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું.

(7:26 pm IST)