Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ચીનના સૌથી મોટા રોકેટનો ભાગ હિન્દ મહાસાગરમાં તૂટી પડયો

ભારતની ધરતી પર મોટી ધાત ટળી રોકેટનો મહતમ હિસ્સો પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ કરતા સમયે જ તૂટી પડ્યો હતો

વૉશિંગ્ટન: ચીનના સૌથી મોટા રૉકેટનો કેટલોક ભાગ 9મીં મેના રોજ સવારે હિંદ મહાસાગરમાં તૂટી પડ્યો છે. રૉકેટનો મોટાભાગનો હિસ્સો પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરતા સમયે જ નષ્ટ થઈ ગયો હતો. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ, ચાઈનીઝ રૉકેટનો કાટમાળ માલદીવ આઈલેન્ડના પશ્ચિમમાં પડ્યો છે.

ચીને 29 એપ્રિલે રૉકેટ લૉન્ગ માર્ચ 5બી લૉન્ચ કર્યું હતું. આ રૉકેટ ચીનના નવા સ્પેશ સ્ટેશનના હિસ્સાને લઈને અંતરિક્ષમાં ગયો હતો, પરંતુ ખુદ જ એક ઑર્બિટમાં પ્રવેશ કરી લીધો હતો. જે બાદ તે અનિયંત્રિત થઈને પૃથ્વી તરફ આવી રહ્યું હતું.

ચીનના મીડિયા મુજબ, રૉકેટ ભારતીય સમય અનુસાર 7:54 AM પર વાયુમંડળમાં પ્રવેશ્યું હતું. આ ઘટનાની છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી હતી, કારણ કે રૉકેટ બેકાબૂ બનીને પૃથ્વી તરફ ધસી રહ્યું હતુ અને કોઈને અંદાજો નહતો કે, તે ક્યાં લેન્ડ કરશે.

અનેક વખત અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ચીનના રૉકેટનો કાટમાળ અમેરિકામાં ન્યુયોર્ક, લોસ એન્જલસ, સ્પેનના મેડ્રિડ, બ્રાઝલના રિયો ડી જેનેરિયા સહિત અનેક ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પડી શકે છે. જો કે કોઈ પણ રોકેટની યોગ્ય દિશાનો ચોક્કસ અનુમાન લગાવી શકતું નહતુ, કારણ કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચેની તરફ આવી રહ્યું હતું.

સામાન્ય રીતે રૉકેટ પૃથ્વીના ઑર્બિય સુધી નથી પહોંચતુ અને નિયંત્રિત પદ્ધતિ મુજબ પૃથ્વી પર પરત ફરે છે. કેલિફોર્નિયા સ્થિત એરોસ્પેસ કોર્પોરેશને જણાવ્યું કે, લોન્ગ માર્ચ 5બી રૉકેટ ઓર્બિટલ વેલૉસિટી સુધી પહોંચી ગયુ અને તૂટવાની જગ્યાએ ઑર્બિટમાં જતુ રહ્યું. રૉકેટનું ફ્યુઅલ ખતમ થયા બાદ તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઑર્બિટથી નીકળીને વાયુમંડળમાં પ્રવેશ કરી ગયું.

ઑર્બિટથી આવા નાના-મોટા સેટેલાઈટ તૂટે છે, પરંતુ પૃથ્વીની સપાટી પર પડ્યા પહેલા જ વાયુમંડળમાં નષ્ટ થઈ જાય છે. જો કે ચીનનું આ રૉકેટ 98 ફૂટ ઊંચુ અને 20 ટન વજન ધરાવતુ હતું. આથી તેનો કેટલોક હિસ્સો નષ્ટ થતા બચી ગયો હતો.

(2:09 pm IST)