Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

તેજ બહાદ્દુરને સુપ્રીમનો ઝટકો : ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની અરજી અદાલતે ફગાવી

પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું તેજ બહાદ્દુરનું સ્વપ્ન રોળાયું

નવી દિલ્હી તા. ૯ : વારાણસી લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર રદ્દ થયા પછી બીએસએફમાંથી સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવે સુપ્રીમમાં કરેલી અરજી આજે ફગાવી દેવાઈ છે. આ અરજીની સુનાવણી હાથ ધરતાં મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ કહ્યું કે, આ અરજીમાં અમને સુનાવણી માટે કોઈ આધાર દેખાતો નથી, આથી તમારી અરજી ફગાવી દેવામાં આવે છે. આ સાથે જ તેજ બહાદ્દુરનું વડાપ્રધાન સામે ચૂંટણી લડવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે.આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગઈકાલે ચૂંટણી પંચને ૯ મે સુધી જવાબ આપવા જણાવ્યું છે.ઙ્ગ

વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું. તેજ બહાદ્દુરે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, 'ચૂંટણી પંચનો નિર્ણય ભેદભાવપૂર્ણ અને તર્ક વગરનો છે. સપાએ પ્રારંભમાં પીએમ મોદી સામે શાલિની યાદવને ટિકિટ આપી હતી અને પાછળથી ઉમેદવાર બદલીને બીએસએફના સસ્પેન્ડ જવાન તેજ બહાદ્દુરને ટિકિટ આપી હતી.'

તેજ બહાદ્દુરે અપક્ષ ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમાં ભાગ-૩(ક)ના ક્રમાંક-૬માં સવાલ હતો કે, 'શું અરજીકર્તાને ભારત સરકાર કે કોઈ રાજય સરકાર અંતર્ગત પદ ધારણ કરવા દરમિયાન ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણે પદભ્રષ્ટ કરાયો છે?' તેના જવાબમાં હા, ૧૯ એપ્રિલ, ૨૦૧૭ લખાયું હતું.ઙ્ગ

સપા ઉમેદવાર તરીકે દાખલ કરેલના ઉમેદવારી પત્રમાં તેણે લખ્યું છે કે, 'ભુલ'થી પ્રથમ નામાંકન પત્રના ભાગ-૩ (ક)ના ક્રમાંક-૬માં તેમણે 'ના'ના બદલે 'હા' લખી દીધું હતું. તેજ બહાદ્દુરે દાવો કર્યો છે કે, ૧૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ તેને સસ્પેન્ડ કરાયો હતો, પરંતુ ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા પદભાર દરમિયાન ભ્રષ્ટાચાર વગેરેના કારણે તેને પદભ્રષ્ટ કરાયો નથી.

(3:53 pm IST)