Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ભાજપની રાષ્ટ્રીય કારોબારીને ૧૭મીએ નરેન્દ્રભાઈનું સંબોધનઃ પહેલીવાર વિવિધ મોરચાઓનો સમાવેશ

કર્ણાટક ચૂંટણીના પરિણામોના બે દિવસ બાદ

નવીદિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ ૧૭મીએ યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરનાર છે. ખાસ વાત એ છે કે આ કારોબારીમાં પહેલીવાર ભાજપના વિવિધ મોરચાઓ પણ ભાગ લેનાર છે.

આ કારોબારી કર્ણાટકના ચૂંટણીનું પરિણામ આવ્યાના બે દિવસ બાદ યોજાવાની છે. આ બેઠકમાં વિવિધ મોરચાનાં ૭૦૦- ૮૦૦ પદાધીકારીઓ હાજર રહે તેવી ધારણા છે. જેમાં અનુસુચીત જાતિ, અનુસુચીત જનજાતિ, મહીલાઓ, યુવાઓ, ખેડૂતો, અલ્પસંખ્યકો અને અન્ય પછાત જાતિના વર્ગો ઉપર ચર્ચા થશે. કારોબારીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ સંબોધન કરનાર છે. આખો દિવસ ચાલનારી આ બેઠકમાં ચાર વર્ષેમાં પહેલીવાર પાર્ટીના મોરચાઓને પણ સામેલ કરાયા છે.

કારોબારીમાં ભાજપના અલ્પસંખ્યક મોરચો, યુવા મોરચો, કિસાન મોરચો તથા મહિલા મોરચાના પદાધિકારીઓ સામેલ થનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારની સફળ યોજનાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અંગે પણ કારોબારીમાં રણનીતિ ઘડવામાં આવનાર છે.

(12:50 pm IST)