Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશમાં લોકડાઉનની ચાલતી અટકળો વચ્ચે રેલ્વે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરવાનો કોઇ પ્લાન ન હોવાની કરી જાહેરાત : રેલ્વે સ્ટેશનો ઉપર થતી ભીડને પણ રેલ્વે બોર્ડના ચેરમેન સુનિત શર્માએ માત્ર અફવા જ હોવાનું જણાવ્યું : લોકોને ન ગભરાવા અપીલ

નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને શ્રમિકો લોકડાઉનની શકયતાને લઇને ટ્રેન દ્વારા વતન જઇ રહ્યાના અહેવાલો મળતા નાછુટકે રેલ્વે તંત્રએ સ્પષ્ટતા કરી લોકોને નહીં ગભરાવા અપીલ કરી છે.

દેશના કેટલાક રાજ્યમાં ઝડપથી વધતા કોરોના વાયરસના કેસને કાબુ કરવા માટે ફરી એક વખત પ્રતિબંધ મુકવામાં આવી રહ્યા છે. કેટલાક રાજ્યમાં નાઇટ કરર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યુ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ટ્રેન ફરી બંધ થવાની ચર્ચા થઇ રહી છે, જેની પર રેલ્વેએ જવાબ આપ્યો છે.

રેલ્વે મંત્રાલયે નિવેદન જાહેર કરતા કહ્યુ, ‘હજુ રેલ સર્વિસને બંધ કરવા અથવા ટ્રેનની સંખ્યા ઘટાડવાનો કોઇ પ્લાન નથી. જે લોકો ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે તે કરી શકે છે, તેમણે ટ્રેન મળવામાં કોઇ પરેશાની નહી થાય. જો પ્રવાસી મજૂરોના પલાયનને કારણે ટ્રેનમાં ભીડ વધે છે તો અમે તુરંત ટ્રેનની સંખ્યા વધારી દઇશુ. ગરમીમાં ભીડને જોતા અમે કેટલીક ટ્રેન પહેલા જ શરૂ કરી ચુક્યા છીએ, લોકોએ પેનિક થવાની જરૂર નથી.’

રેલ્વે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર પહેલા લોકડાઉન દરમિયાન કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે, તેમણે કહ્યુ કે આ વીડિયો લોકોને પેનિક ક્રિયેટ કરી રહ્યા છે. આ વીડિયો આજના નથી, આ સમયે રેલ્વે સ્ટેશન પર નોર્મલ ભીડ છે.

(9:00 pm IST)