Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહને નક્સલીઓના કબ્જામાંથી છોડાવવામાં એક પત્રકારે મહત્વની ભૂમિકા ભજવી : મોટર સાયકલ ઉપર નક્સલીઓના અડ્ડા સુધી પહોંચી મસલત કરી : સરકારી અધિકારીઓની હાજરીમાં કોબ્રા કમાન્ડોને મુક્ત કરાવનાર પત્રકાર ગણેશ મિશ્રાની આઈ.જી.એ પ્રશંસા કરી

છત્તીસગઢ : છત્તીસગઢના બીજાપુરમાં  સુરક્ષા દળો સાથેના  એન્કાઉન્ટર પછી બંધક બનેલા કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહને નક્સલવાદીઓએ લગભગ 100 કલાક પછી મુક્ત કર્યા હતા. આ જવાનને મુક્ત કરવામાં બીજાપુરના  સ્થાનિક પત્રકાર ગણેશ મિશ્રાએ  મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પત્રકારની ભૂમિકાના  ખુદ બસ્તરના આઈજીએ પણ વખાણ કર્યા હતા.

2 એપ્રિલના રોજ બનેલા  આ એન્કાઉન્ટરમાં 22 જવાનો શહીદ થયા હતા. પત્રકાર ગણેશ મિશ્રાએ પોતે કહ્યું છે કે તેણે  જવાનને કેવી રીતે મુક્ત કરાવ્યો અને તેના માટે તેણે શું કરવું હતું.

જવાનની મુક્તિ સમયે નક્સલવાદીઓ પાસે ગયેલી પત્રકારોની ટીમના સભ્ય ગણેશ મિશ્રાએ કહ્યું કે, એન્કાઉન્ટર બાદ મીડિયાએ કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ મનહસના ગાયબ થયાની જાણ કરી હતી. આ પછી, માઓવાદીઓએ 5 એપ્રિલે મારો સંપર્ક કર્યો અને કહ્યું કે ગુમ થયેલ જવાન બંધક તરીકે તેમની સાથે છે અને કહ્યું હતું કે તેને સરકારી વાટાઘાટો દ્વારા જ છૂટા કરવામાં આવશે.

ગણેશ મિશ્રા વધુમાં જણાવે છે કે તેમણે નક્સલવાદીઓ સાથે વાત કર્યા પછી તરત જ આઈજી બસ્તરને જાણ કરી હતી. રાયપુરના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળ્યા બાદ, બે સભ્યોના પ્રતિનિધિમંડળને પદ્મ શ્રી એવોર્ડ ધર્મપાલ સૈની અને ગોંડવાના સમાજના નેતા તેલમ બોરૈયાની મધ્યસ્થી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગણેશ મિશ્રાએ કહ્યું કે માઓવાદીઓ સાથે સંપર્ક ફરી સ્થાપિત થયો હતો અને તેઓને પ્રતિનિધિમંડળના સભ્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે માઓવાદીઓ સહમત થયા, તેમણે બીજા દિવસે પ્રતિનિધિ મંડળ સાથે કેટલાક પત્રકારોને તે જ સ્થળે આવવા કહ્યું જ્યાં એન્કાઉન્ટર થયું અને 22 સૈનિકો શહીદ થયા હતા.

બાદમાં પોતે અન્ય પત્રકાર મુકેશ ચંદ્રકર સાથે મોટર સાઇકલ ઉપર બેસી નક્સલવાદીઓના અડ્ડા સુધી પહોંચ્યા હતા.જ્યાં મધ્યસ્થિઓની હાજરીમાં ચર્ચા કર્યા  પછી તેઓએ કોબ્રા કમાન્ડરનો કબ્જો સોંપી દીધો હતો.અને જણાવ્યું હતું કે તે અમને બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

પત્રકાર ગણેશ મિશ્રાની હિંમત અને કામગીરીની ખુદ આઇ .જી.એ પ્રશંસા કરી હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)