Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

૧૮ વર્ષથી ઉપરના બધાને રસી આપવી બની શકે ઘાતક

એઇમ્સના ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરીયા

નવી દિલ્હી તા. ૯: કોરોનાની પહેલી લહેરથી પણ વધુ જોરદાર બીજી લહેર વચ્ચે દેશમાં રસીકરણ અભિયાન માટે નકકી થયેલ વયમર્યાદાને હટાવવાની માંગણીઓ થઇ રહી છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (આઇએમએ) ઉપરાંત કેટલાય નિષ્ણાંતો અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જેવા કેટલાક નેતાઓ પણ સરકારને પત્ર લખીને ૧૮ વર્ષથી ઉપરના બધા લોકોને રસી આપવાની માંગણી કરી ચુકયા છે. પણ આ વિચાર કેટલો ઘાતક બની શકે તેનો ચિતાર ડોકટર રણદીપ ગુલેરીયાએ આપ્યો છે.

તેમણે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે બધાને રસીકરણનો વિચાર યોગ્ય નથી કેમકે તેનાથી જરૂરીયાત વાળા વર્ગને રસીની અછત ઉભી થશે જેના કારણે મહામારીથી મરનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થઇ શકે છે. બધાને રસી આપવાનો સમય હજુ નથી આવ્યો. તેના માટેનાં ઘણાં કારણો છે. પહેલું કારણ એ છે કે જો કોવિડ બુઝુર્ગોને ઝપટમાં લેવા લાગશે તો મહામારીથી મોતનો દર બહુજ વધી જશે. જો આપણે લોકોને કોવીદથી મરતા બચાવવા હોય તો આપણે બધા બુઝુર્ગોને રસી આપવી પડશે.

તેમણે આગળ કહ્યું કે જો આપણે ૧૮ વર્ષથી ઉપરના બધા લોકોને રસી આપવી હોય તો આંકડાઓ સામે પણ જોવું પડશે. આપણા દેશમાં ૧૮ વર્ષથી ઉપરના ૯૭ કરોડ લોકો છે. દરેક વ્યકિતને બે ડોઝ આપવાના હોવાથી આપણે લગભગ ર અબજ ડોઝની જરૂર પડે. જો આપણે દુનિયાભરની રસી મંગાવીને એકઠી કરીએ તો પણ ર અબજ ડોઝ નહીં થઇ શકે. જો આપણે પ્રાયોરીટી નક્કી નહીં કરીએ તો કોરોના બુઝુર્ગ અને ગંભીર બીમારી વાળા લોકોને ઝપટમાં લઇ લેશે. અને પછી મોતના આંકડાઓ વધવા લાગશે.

તેમણે કહ્યું વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ), અમેરિકા, યુરોપ બધાએ આ રણનીતિ જ અપનાવી છે કે પ્રાથમિકતા નક્કી કરવી કેમ કે કોઇ દેશ પાસે આટલી રસીઓ નથી. યુરોપની સરખામણીમાં જોઇએ તો આપણે જર્મનીની કુલ વસ્તી જેટલું રસીકરણ કરી નાખ્યું છે. યુરોપના કેટલાય દેશોની વસ્તી કરતા વધારે રસીકરણ આપણે કર્યું છે. આના લીધે વધારેમાં વધારે બુઝુર્ગ લોકો કવર થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો આપણે બધા લોકોને રસી મુકવા લાગશું તો કેટલાય લોકોને રસી નહીં મળે અને એ સંજોગોમાં ડેથ રેટ વધી શકે છે. તેમણે કહ્યું કે યુવાઓમાં કોરોનાનો ભય ખતમ થઇ ગયો છે. તેમને લાગે છે કે અમે તો સ્વસ્થ છીએ અને કોરોના આવશે તો પણ ગંભીર નહીં હોય, પણ તેઓએ નથી સમજતા કે તમે ભલે સંક્રમિત થયા છતાં બિમાર ન પડો પણ ઘરના સભ્યોને તો સંક્રમિત કરો જ છો. તેમને તો જોખમમાં મુકો જ છો.

(3:07 pm IST)
  • મહારાષ્ટ્રમાં ૯૩ લાખથી વધુ લોકોને વેક્સીન અપાઈ ગયાનું આરોગ્ય મંત્રાલયે જોહેર કર્યુ છે access_time 3:55 pm IST

  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST