Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

CBSEની ધો. ૧૦-૧૨ની પરીક્ષા રદ્દ કરો અથવા ઓનલાઈન યોજવા દેશભરમાં ઉઠતી છાત્રોની માંગ

કોરોનાની સ્થિતિમાં પરીક્ષા સામે ૧ લાખથી વધુ છાત્રોની સહિ ઝુંબેશ બોર્ડ કહે છે કે પરીક્ષામાં કોવીડ-૧૯ના નીતિનિયમોનું કાળજીપૂર્વક પાલન થશે

નવી દિલ્હી, તા. ૯ :. સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ ચિંતાજનક છે. કોરોનાના કેસ હવે દરરોજ એક લાખથી વધી રહ્યા છે ત્યારે સીબીએસઈ બોર્ડની પરીક્ષા મોડી યોજવાની અથવા રદ કરવાની માંગ જોર પકડી રહી છે.

સીબીએસઈ બોર્ડની પરીક્ષા ૪ મેથી શરૂ થઈ રહી છે. ધો. ૧૦-૧૨ના એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવા અથવા ઓનલાઈન કરાવવાની અરજી પર સહી કરી છે. છેલ્લા બે દિવસથી ટ્વીટર પર કેન્સલ બોર્ડ એકઝામ ૨૦૨૧ ટોપ થયુ છે.

બોર્ડના કાઉન્સીલ ફોર ધ ઈન્ડીયન સ્કૂલ સર્ટીફીકેટ એકઝામીનેશન સંપૂર્ણ કાળજી બંદોબસ્તમાં યોજવાનો દાવો કર્યો છે. બોર્ડે જણાવ્યુ છે કે પરીક્ષા દરમિયાન કોવીડ-૧૯ના તમામ નીતિનિયમોનું પાલન કરવામાં આવશે.

જ્યારે ચેન્જ ડોટ ઓઆરજી ઉપર એક અરજીમાં જણાવ્યુ છે કે દેશમાં સ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. જ્યારે કોરોનાના ઓછા કેસ હતા ત્યારે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

હવે કોરોનાથી સ્થિતિ વધુ બગડી છે તો સ્કૂલ ખોલવાની યોજના બનાવાઈ રહી છે.

(3:06 pm IST)