Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

બેંગાલુરૂથી દિલ્હી જતી એર એશિયાની ફ્લાઈટમાં મુસાફરે ચાલુ વિમાનમાં કપડાં કાઢી નાખતાં હોબાળો

આ મુસાફરે સૌપ્રથમ કેબિન ક્રૂ સાથે લાઈફ જેકેટ બાબતે માથાકૂટ કરી

નવી દિલ્હી: બેંગાલુરૂથી દિલ્હી જતી એર એશિયાની ફ્લાઈટ i5-722માં એક મુસાફરે ચાલુ વિમાનમાં કપડાં કાઢી નાખતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ અંગે માહિતી આપતાં આ જ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલા અન્ય એક મુસાફરે જણાવ્યું હતું કે આ મુસાફરે સૌપ્રથમ કેબિન ક્રૂ સાથે લાઈફ જેકેટ બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેણે ક્રૂ સાથે ખરાબ વર્તણૂક કરવાનું શરૂ કર્યું હતું અને એકાએક જ વિમાનમાં બધાં પ્રવાસીઓ વચ્ચે પોતાના તમામ કપડાં ઉતારી દીધાં હતાં.

આ ઘટનાની પુષ્ટિ કરતાં એર એશિયા ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 6 એપ્રિલના રોજ બેંગાલુરૂથી નવી દિલ્હી જતી ફ્લાઈટમાં નશામાં ધુત એક મુસાફરે ચાલુ વિમાને કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી. તેને સમજાવવાના અનેક પ્રયાસો બાદ છેવટે તે શાંત પડ્યો હતો. એર એશિયાના ક્રૂ મેમ્બર્સે અન્ય મુસાફરોના સહયોગથી આ પેસેન્જરના રોષને શાંત પાડ્યો હતો. દરમિયાનમાં વિમાનના પાયલટે આ સમગ્ર ઘટનાની જાણ દિલ્હીના એરટ્રાફિક કન્ટ્રોલરને કરતાં વિમાન એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ મુસાફરને સીઆઈએસએફના જવાનોની મદદથી પોલીસને સોંપી દેવાયો હતો.

(11:56 am IST)