Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભીડભાડવાળા વિસ્તારોમાં કોરોનાથી બચવામાં સર્જીકલ માસ્ક અસરદાર નથીઃ ફેસશીલ્ડ પણ કામ નથી આવતાઃ ચોંકાવનારો અભ્યાસ

શ્વાસ દરમિયાન બહાર નિકળતા ડ્રોપલેટથી બચાવ કરવામાં માસ્ક અને ફેસશીલ્ડ ઉપયોગી નથી : ઘરમાં બનતા ટુ-લેયરના કોટન માસ્ક પણ અસરકારક નથીઃ ૫-લેયરનો માસ્ક લીકેજને રોકવા સૌથી વધુ અસરકારક

નવી દિલ્હી, તા. ૯ :. કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે અને રોજેરોજ નવા નવા કેસ અને નવા નવા મૃત્યુઆંક ચિંતા ઉપજાવી રહ્યા છે. તેવામા સરકારે પણ કોરોનાને કાબુમાં લેવા પગલા લીધા છે. કોરોનાથી બચવા માટે  માસ્ક અને હાથ ધોવાનું સૌથી આવશ્યક પગલુ છે. તો વેકસીન લગાવવી એ પણ એક યોગ્ય પગલુ છે. આઈઆઈટી ભુવનેશ્વરના એક અભ્યાસમાં એવુ સામે આવ્યુ છે કે ભીડભાડવાળી જગ્યામાં અને સામાન્ય વાતચીત દરમિયાન સર્જીકલ માસ્ક સંપૂર્ણ રીતે અસરકારક નથી હોતો. એવી સ્થિતિમાં ડ્રોપલેટનો લીકેજ થઈ શકે છે જે કોરોનાનુ કારણ બની શકે છે. અભ્યાસમાં જણાવાયુ છે કે સામાન્ય રીતે ઉપયોગમા આવતા માસ્ક અને ફેસશીલ્ડ શ્વાસ લેવા દરમિયાન બહાર નિકળતા ડ્રોપલેટથી બચાવ કરવામાં સક્ષમ નથી હોતા.

આ અભ્યાસને આઈઆઈટી ભુવનેશ્વરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વેણુગોપાલ અરૂમરૂ અને તેમની ટીમે અંતિમ ઓપ આપ્યો છે. આ દરમિયાન શ્વાસ લેવાની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં શાંત ઉભા રહેતી વખતે શ્વાસ લેવા અને ચાલતી વખતે સ્વસ્થ વ્યસ્ક દ્વારા શ્વાસ લેવાનો અભ્યાસ થયો હતો. અભ્યાસમાં સામે આવ્યુ કે નાના ડ્રોપલેટ શ્વાસ લેવા દરમિયાન બહાર નિકળે છે અને ૫ સેકન્ડ અંદર ૪ ફુટ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં સર્જીકલ માસ્ક સામાન્ય વાતચીત દરમિયાન અસરકારક નથી રહેતા. આ અભ્યાસમાં સલાહ આપવામાં આવી છે કે આ સ્થિતિમા સર્જીકલ માસ્કનો ઉપયોગ ન કરો તો હોસ્પીટલોમાં પણ સર્જીકલ માસ્ક અને ફેસશીલ્ડને સાથે લગાવવાનુ પણ યોગ્ય નથી હોતુ. એવી સ્થિતિમાં ડ્રોપલેટ લીકેજની સંભાવના રહે છે.

અભ્યાસમાં જણાવ્યુ છે કે ઘરમાં બનેલા ટૂ-લેયરના કોટન માસ્ક પણ અસરકારક નથી હોતા. પાંચ-લેયરનો માસ્ક લીકેજ રોકવા માટે સૌથી અસરકારક છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે ૪ ફુટનુ અંતર રાખવુ જરૂરી છે. આ સિવાય એકલા ફેસશીલ્ડ પહેરવાથી બચાવ થઈ ન શકે.

ડો. વેણુગોપાલે કહ્યુ હતુ કે અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસમાં કફ અને છીંક દ્વારા ફેલાતા વાયરસને લઈને અભ્યાસ થયો હતો પરંતુ શ્વાસ દરમિયાન વાયરસના ફેલાવા અંગે અભ્યાસ થયો નહોતો એવામાં આ અભ્યાસ ઘણો મહત્વનો બનશે.

(10:48 am IST)