Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

૧૩મીએ ગુડી પડવો, ચેટીચાંદ સાથે ચૈત્રી નવરાત્રી શરૂ

મંગળવારે ઘટસ્થાપન માટે બપોરે ૧ વાગ્યા સુધી શુભ મુહૂર્ત, માતાજી ઘોડા પર સવાર રહેશે

નવી દિલ્હી,તા.૯: આદ્યશકિતની આરાધનાના પર્વ ગણાતી વર્ષની ચાર નવરાત્રી પૈકી આધ્યાત્મની દ્રષ્ટિએ સૌથી વધુ મહત્ત્વ ધરાવતી એવી ચૈત્રી નવરાત્રનો આગામી ૧૩ એપ્રિલના મંગળવારથી આરંભ થશે. જેને લઇને આધશકિતના ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ચૈત્ર માસના આરંભે જ ચેટીચાંદ, ગુડી પડવો અને ચંદ્રદર્શન પર્વ એવા અન્ય ત્રણ મહત્ત્વના પર્વ પણ ઉજવાશે. જોકે, કોરોના સંક્રમણના વધી રહેલા કિસ્સા વચ્ચે આ વર્ષે પણ આધશાકિત પર્વ, સિંધી અને મરાઠી સમુદાયના પર્વને કોરોના નડે એવી ભીતિ સેવાઇ રહી છે. ત્રણેય મહત્ત્વના પર્વ દરમિયાન વર્ષોથી થતી ભવ્ય ઉજવણી, જાહેર કાર્યક્રમો પર સરકારી નિયંત્રણો લાગી જશે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નવમી સુધી ચૈત્રી નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૩ એપ્રિલના મંગળવારે ચૈત્ર સૂદ પડવાથી ૨૧ એપ્રિલના બુધવારે ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રી રહેશે. નવરાત્રીના પારણા ચૈત્ર સુદ દશમ ગુરુવારે ર૨ એપ્રિલે કરાશે. કોઇ પણ તિથિના ક્ષય કે વૃદ્ઘિ વિના પૂરા ૯ દિવસની નવરાત્રી રહેશે. શાસ્ત્રી ડો. કર્દમ દવેના જણાવ્યા મુજબ, નવરાત્રી માટેના ઘટસ્થાપન માટે મંગળવારે સવારે ૮.૨૮થી ૧૧.૩૬ અને બપોરે ૧૨.૧૪થી ૧.૦૪ વાગ્યા સુધી ખૂબ સારું અભિજીત મુહૂર્ત છે. આ દિવસે શાલિવાહન શક ૧૯૪૩ શરૂ થશે અને પ્લવ નામનું સંવત્સર શરૂ થશે. આ નવરાત્રી સાધના અને ઉપાસના માટે ઘણી મહત્ત્વની છે. આ સમયમાં દાન, ધર્મ અને કુમારિકાનું પૂજન ખૂબ ફળદાયી છે.

નવરાત્રી દરમિયાન માતાજીનું વહન ખૂબ વિશેષ મહત્ત્વ રાખે છે. આ નવરાત્રી મંગળવારથી શરૂ થતી હોવાને કારણે માતાજીનું વાહન ઘોડો છે. ઘોડાની પોતાની તાસીર મુજબ ખૂબ મહેનતું છે અને સતત કાર્યરત છે.

જેથી વર્ષની શરૂઆતના સંકેત મુજબ આ વર્ષ મહેનતવાળું અને મહેનત કર્યા પછી ફળ મળી રહે એવું બની રહેશે. નવ દિવસમાં માતાજીના વિવિધ ૯ સ્વરૂપની પૂજા- અર્ચના, આરાધના થાય છે. આ નવરાત્રીમાં પથમ દિવસે શૈલપુત્રી, ૧૪મીએ બ્રહ્મચારિણી, ૧૫મીએ ચંદ્રઘટા, ૧૬મીએ કુશમાંડા, ૧૭મીએ સ્કંદમાતા, ૧૮મીએ કાત્યાયની, ૧૯મીએ કાલરાત્રી, ૨૦મીએ મહાગૌરી અને ૨૧મીએ સિદ્ઘિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરાશે.

  • મરાઠી સમુદાયના નવા વર્ષનો ગુડી પડવા પર્વથી આરંભ

ચૈત્ર સુદ પડવો એ મરાઠી સમુદાયના નવા વર્ષનો પહેલો દિવસ ગણાય છે. હિન્દુ સમુદાયમાં વણજોયા મુહૂર્ત તરીકે ત્રણ મુહૂર્ત છે. તેમાંનું એક મુહર્ત ગુડી પડવો ગણાય છે. આ દિવસથી જ શાલિવાહન શકની શરૂઆત થઇ હતી. બ્રહ્માજીએ બ્રહ્માંડની ઉતપત્ત્િ। આ દિવસે કરી હોય હિન્દુ પંચાગની શરૂઆત આ દિવસથી થાય છે. મહારાષ્ટ્રીયન લોકો દારઆંગણે ગાયના છાણથી લીપણ અને પરંપરાગત પુજા-અર્ચના સાથે ઉજવણી કરે છે. ગુડી ઊભી કરવાની સાથે જ ષોડશોપચાર પુજા કરે છે. ઉપરાંત, સિંધી સમુદાયમાં મહાન વિભુતિ ઉદયચંદ્ર તેમજ જલ અને જયોતિના અવતાર ઝુલેલાલની જન્મજયંતી તરીકે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. દરમિયાન ભગવાન ઝુલેલાલના મંદિરમાં ઉજવણી સાથે જ પ્રસાદમાં મીઠો ભાત વહેચવામાં આવે છે. આમ, મંગળવારે ચૈત્રી નવરાત્રી આરંભ. ગુડી પડવો. ચેટી ચાંદ અને ચંદ્રદર્શન એમ વિવિધ પર્વોની ઉજવણી કરાશે.

(10:10 am IST)
  • કોરોના નાથવા સરકાર લોકડાઉન કે આંશિક લોકડાઉનનો સહારો લઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ઘણા દિવસોથી વેપાર ધંધા ઠપ્પ છે. લોકડાઉન એ ઉપાય નથી. માટે વેપારીઓએ કોરોનાથી નહીં, ભૂખમરાથી મરીશુ એવા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકડાઉન ન લદાય એ માટે લોકોએ પણ જવાબદાર બનીને બિનજરૂરી હર-ફર બંધ કરવી જોઇઅ, માસ્ક પહેરીને જ બહાર જવું જોઇએ. access_time 10:45 am IST

  • અત્યંત ભયજનક સ્થિતિમાં ધકેલાય રહેલ રાજકોટ શહેર - જિલ્લો : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 34 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકોમાં હડકંપ : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 250 બેડ ઉપલબ્ધ access_time 10:49 am IST

  • આવતા ૪-૫ દિવસ સુધી દેશમાં કોરોના કેસ એક લાખથી વધુ રહેશે : એક અહેવાલ મુજબ દેશમાં આ અઠવાડિયાના ૪ થી ૫ દિવસ સુધી એક લાખથી વધુ કોરોના કેસો રહેશે. રિકવરી રેટ પણ ઘટીને ૯૧.૨૨ ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી દર વધીને ૭.૫૦ ટકા થયો છે. access_time 11:16 am IST