Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશમુખની CBIની તપાસને પડકારતી અરજી ફગાવાઈ

વસૂલી કાંડ : મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલ : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી : બોમ્બે હાઈકોર્ટે ૧૦૦ કરોડની વસૂલીના આરોપ સીબીઆઈ તપાસનો હુકમ આપ્યો હતો

નવી દિલ્હી, તા. ૮ : મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે મોટી ઉથલ પાથલ ચાલી રહી છે. ૧૦૦ કરોડ વસુલી કાંડ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામુ આપ્યું છે અને એનઆઇએ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે. તેવામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે અને ઉદ્ધવ સરકારને વધુ એક ઝટકો લગ્યો છે. મહારાષ્ટ્ર સરકાર અને અનિલ દેશમુખે મહારાષ્ટ્ર હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેને સુપ્રીમે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બોમ્બે હાઇકોર્ટે અનિલ દેશમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો સામે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો. મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ૧૦૦ કરોડની વસૂલીના આરોપ લગાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેંચે સીબીઆઇ તપાસ રોકવાની અરજી ફગાવી છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું હતું કે હાઇકોર્ટ પૂર્વ ગૃહમંત્રીને અવસર આપ્યા વગર તેમની સામે તપાસના આદેશ ના આપી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપોની ગંભીરતા અને તેમા સામેલ લોકોને જોતા સ્વતંત્ર તપાસ થાય તે જરુરી છે. આ લકોના વિશ્વાસની વાત છે. જેથી અમે કોઇ આદેશમાં દખલ નહીં આપીએ.

(12:00 am IST)