Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઇન્દોરમાં કોઇ સગા ન આવ્યા : મુસ્લિમ યુવકોએ હિન્દુ મહિલાની અર્થીને કાંધ આપી

કોમી એકતાનું અદ્ભૂત ઉદાહરણ : અંતિમક્રિયાનો તમામ ખર્ચ સ્થાનિક મુસ્લિમ યુવકોએ કર્યો

ઇન્દોર, તા. ૯ : ઇન્દોરના સાઉથ તોડા ક્ષેત્રમાં કોમી એકતાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં એક ગરીબ વૃદ્ધાનું મોત થયું હતું. લોકડાઉનના કારણે સંબંધીઓ અંતિમવિધિ માટે પહોંચી શકયા ન હતા. જેથી આ વિસ્તારના મુસ્લિમ યુવકોએ અંતિમક્રિયાની તૈયારી કરી. તેઓ અર્થીને કાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા હતાં અને આ માટેનો તમામ ખર્ચ યુવાનોએ કર્યો. કોરોના વાયરસના આ સમયમાં જયાં એક તરફ સંબંધોમાં ઓટ આવી રહી છે ત્યાં આ યુવકોએ કોમી ભાઇચારાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડયું હતું.

સાઉથ તોડાના જુના ગણેશ મંદિર પાસે રહેતા દુર્ગામાને લકવો થયો હતો. તેમના બે પુત્રો છે. તેઓ મોટા પુત્ર પાસે રહેતા હતા. રાત્રે તેમનું મોત થયું હતું. જયારે આ વાતની જાણ મોહલ્લાના અસલમ, અકીલ, સિરાજ, ઇબ્રાહિમ, આરિફને થઇ તો તેઓ દુર્ગાના ઘરે પહોંચ્યા હતા. દુર્ગાનો પરિવાર ખૂબ ગરીબ છે. પરિવારના લોકોએ શબવાહિનીને ફોન કર્યો પણ વાહન ઉપલબ્ધ ન હતું. કોરોનાના કારણે ક્ષેત્રના અન્ય લોકો અંતિમ ક્રિયામાં સામેલ થતાં ડરી રહ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ યુવકો આગળ આવ્યા અને અઢી કિ.મી. સુધી કાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા. આ દરમ્યાન તેમણે શારીરિક અંતરની પણ તકેદારી રાખી હતી. સ્થાનિક નિવાસી અસલમે જણાવ્યું હતું કે આ અમારી ફરજ હતી જયારે અમે નાના હતાં ત્યારે દુર્ગામાના ખોળામાં રમતા હતાં. તેઓ અમારી માતા જેવા હતાં. અર્થીને કાંધ આપતા યુવકોની તસ્વીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી.

(11:32 am IST)