Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વડાપ્રધાન મોદીના સન્માનમાં પાંચ મિનિટ ઉભા રહેવાની ચળવળનું ખુદ PM મોદીએ કર્યુ ખંડન

જો ખરા અર્થમાં મોદીનું સન્માન કરવા માંગો છો તો કોરોનાના સંકટ સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવી લોઃ પીએમ મોદી

નવી દિલ્હી, તા.૯: પીએમ મોદીએ બુધવારે તેમના નામ પર ચાલી રહેલી એક કેમ્પેઇનનું ખંડન કર્યું છે. પીએમ મોદીએ બે ટ્વિટ કરીને આ વાતને અફવા ગણાવી છે. સાથે જ તેમણે તેમના સન્માન માટે આવું કરવાને બદલે ગરીબ પરિવારને મદદ કરવાનું કહ્યું છે. મોદીએ એક પછી બે ટ્વિટ કરીને કહ્યું છે કે પ્રથમ નજરે આવું કૃત્ય મોદીને કોઈ વિવાદમાં લાવવાની ચાલ લાગી રહી છે.

પીએમ મોદીએ એક પછી એક બે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'મારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો એવી ચળવળ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઊભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ નજરે આ વાત મોદીને કોઈ વિવાદમાં ઢસડવાની ચાલ લાગી રહી છે.'

બીજા એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, બની શકે કે આ કોઈનો સારો વિચાર પણ હોય. આવું હોય તો પણ મારો આગ્રહ છે કે જો સાચે જ તમારા દિલમાં આટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત કરવા માંગો છો તો જયાં સુધી કોરોનાનું સંકટ છે ત્યાં સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવી લો. મારા માટે આનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે.

નોંધનીય છે કે આજકાલ સોશિયલ મીડિયા પર એક ચળવળ ચાલી રહી છે. જેમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ૧૨મી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે પીએમ મોદી માટે દ્યરની બાલકનીમાં ઉભા રહીને તાળી વગાડો અને તેમનો આભાર માનો. તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ દ્યરની બાલકનીમાં ઉભા રહીને પીએમ મોદીને સેલ્યૂટ કરે, કારણ કે પીએમ મોદીએ આપણા દેશ માટે દ્યણું કર્યું છે. પરંતુ હવે પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને આ વાતનું ખંડન કર્યું છે અને આને ફકત એક ટીખળ ગણાવ્યું છે.

(11:30 am IST)