Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

અમદાવાદમાં કોરોના બેફામ

નવા ૫૦ કેસઃ ગુજરાતમાં કુલ ૨૪પ

આજે વડોદરામાં ૪, સુરતમાં ૨ તથા દાહોદ, આણંદ, છોટા ઉદેપુરમાં એક એક સહિત રાજ્યમાં ૫૯ દર્દીઓ ઉમેરાયાઃ વધુ ૧નું મોતઃ કુલ મૃત્યુ ૧૭ :અમદાવાદના કુલ ૧૩૩ પૈકી ૯૧ દર્દીઓને એકબીજાના સંપર્કથી ચેપ લાગ્યોઃ અમેરિકાના તજજ્ઞો સાથે સરકારનો પરામર્શઃ ગરમ પાણી પીવાની સલાહ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૯ :. રાજ્યમાં દિવસને દિવસે કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે. આજે એક દિવસમાં અમદાવાદમાં ૫૦ સહિત રાજ્યમાં કુલ ૫૫ દર્દીઓ વધતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ૧૩૩ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમા ૯૧ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે. બાકીના આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૨૪૧ સુધી પહોંચી ગયો છે. સવારે ૧૦.૩૦ વાગ્યે ડો. જયંતિ રવિએ આ આંકડો જાહેર કર્યા બાદ બપોરે વડોદરામાં બીજા ૪ કેસ જાહેર થતા રાજયનો કુલ આંકડો ર૪પ એ પહોંચ્યો છે. આજે વડોદરામાં ચારેય દર્દીઓ નાગરવાડાના પુરૂષો હોવાનું બહાર આવેલ છે.

વધતા જતા કેસોની વિસ્તૃત વિગતો આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ શ્રી ડો. જયંતિ રવિએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આજે નવા ૫૫ કેસો આવ્યા છે. કુલ ૨૪૧ કેસો આવ્યા છે. જેમા એકલા અમદાવાદના ૫૦ કેસ છે. વડોદરામાં ૪ કેસ ઉમેરાતા કુલ આંકડો ર૪પ થયો છે.  રાજ્યના આરોગ્ય

તંત્ર દ્વારા ચેકીંગ વધારે પ્રમાણમાં કરતા કેટલાક કેસો આવ્યા છે. સર્વેલન્સની ટીમે પુરતા પ્રમાણમાં ચકાસણી કડક રીતે કરવામાં આવી રહી છે. કડકાઈના કારણે પરિણામ મળી રહ્યુ છે. આજે વધુ ૧ મૃત્યુ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૭ થયો છે.

તેમણે વધારે વિગતો આપતા જણાવ્યુ હતુ કે વ્યુહરચનાના ભાગરૂપે જે લોકોને સારવાર આપવામાં આવી રહી છે જે લોકોને ૧૪ દિવસ પુરા થવા આવ્યા છે. તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે અને યોગ્યતા જણાશે તો તેમને રજા આપવામાં આવશે.

તેમણે રાજ્યના જિલ્લાઓની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ કે અમદાવાદ ૧૩૩, સુરત ૨૫, વડોદરા ૧૮, રાજકોટ ૧૧, ભાવનગર ૧૮, ગાંધીનગર ૧૩, પાટણ ૫, આણંદ ૧, દાહોદ ૧, છોટા ઉદેપુર ૨, પોરબંદર ૩, મહેસાણા ૨, કચ્છ ૨, જામનગર ૨, મોરબી ૧નો સમાવેશ થાય છે.

આજે ૫૫ના કેસો આવ્યા તેમાથી ૫૦ કેસો અમદાવાદના દાણીલીમડા, ઘોડાસર, આસ્ટોડીયા વિસ્તારના છે. ૧૭૮૮ સેમ્પલ લીધા છે. લોકલ ટ્રાન્સમિશનનું મોટુ પ્રમાણ જણાય છે.

આજે અમેરિકાના તજજ્ઞો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે પણ વારંવાર પાણીથી હાથ ધોવાની અને ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો તેવી વાત દોહરાવી હતી. ઉપરાંત જરૂરી તજજ્ઞો સાથે સરકારનું આરોગ્ય તંત્ર સંપર્કમાં છે.

(3:21 pm IST)