Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાનો રાક્ષસ ભારતને અનેક દાયકાઓ પાછળ લઈ જશેઃ મહામંદી ત્રાટકશે

કદી ન વાંચી હોય કે કદી ન સાંભળી હોય તેવી વૈશ્વિક મંદી આવી રહી છેઃ વિશ્વ વ્યાપારમાં ૩૨ ટકાનો જંગી ઘટાડો થશેઃ ભારતનો જીડીપીનો દર ૩૦ વર્ષના નીચલા સ્તરે આવી શકે છેઃ ગોલ્ડમેન સૈકશે ભારતનો જીડીપીનો દર ૪ ટકાથી ઘટાડી ૧.૬ ટકા રહેશે તેવુ જણાવ્યું: ભારતે સંકટ મામલે હજુ આક્રમક વલણ નથી અપનાવ્યું: પ્રયાસો વેગવંતા કરવાની જરૂર

નવી દિલ્હી, તા. ૯ :. કોરોનાનો કહેર ભારતની અર્થવ્યવસ્થાની રફતારને અનેક દાયકાઓ પાછળ લઈ જશે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૈકશએ આ ગંભીર ચેતવણી આપી છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૈકશે એવી ચેતવણી આપી છે કે કોરોનાના પ્રકોપ અને લોકડાઉનના કારણે આ વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧માં દેશનો જીડીપીનો દર માત્ર ૧.૬ ટકા રહી જશે. ગોલ્ડમેન સૈકશે પોતાના અગાઉના અનુમાનમાં ભારે ઘટાડો કર્યો છે.

કોરોનાનો કહેર ભારતની અર્થવ્યવસ્થાને ભારે આંચકો આપવા જઈ રહ્યો છે. આનો મતલબ એ છે કે ભારતનો આર્થિક વિકાસ અનેક દાયકાઓ પાછળ ચાલ્યો જશે. અગાઉ ગોલ્ડમેન સૈકશએ એવુ અનુમાન મુકયુ હતુ કે ભારતની અર્થવ્યવસ્થામાં આ નાણાકીય વર્ષમાં જીડીપીનો દર ૩.૩ ટકા રહેશે. કંપનીના કહેવા મુજબ ૨૦૨૦માં અમેરિકામાં માઈનસ ૬.૨ ટકાની વૃદ્ધિ થશે એટલે કે ત્યાં આટલાનો ઘટાડો થશે.

બ્રોકરેજ ફર્મનંુ કહેવુ છે કે આ ગ્રોથ ૭૦,૮૦ અને ૨૦૦૮-૦૯માં જોવા મળેલી મંદી કરતા પણ ખરાબ રહેશે. ભારતમાં ૨૪મી માર્ચથી લોકડાઉનને કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા અનેક રેટીંગ એજન્સીઓએ ભારતના જીડીપીના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. મુડીઝે ૨.૫ ટકાનો જીડીપીનો દર રહેશે તેવુ જણાવ્યુ છે. અગાઉ તેણે ૫.૩ નો ગ્રોથ રેટ આપ્યો હતો. એસબીઆઈ રીસર્ચે પણ ૨.૫ ટકાનુ અનુમાન આપ્યુ છે તે એડીબીએ ભારતનો આર્થિક વિકાસ દર ઘટાડીને ૪ ટકા રહેશે તેવુ જણાવ્યુ છે.

મહામારી બાદ આર્થિક હાલત વધારે ખરાબ થઈ છે. અનેક વિશ્લેષક કોરોનાને જોતા અર્થતંત્રને મોટુ નુકશાન થશે તેવુ જણાવી રહી છે. ગોલ્ડમેન સૈકશના અર્થશાસ્ત્રીઓનુ કહેવુ છે કે ભારતે અત્યાર સુધી સંકટને લઈને આક્રમક વલણ નથી અપનાવ્યુ. પ્રયાસો વધુ ઝડપી બનાવવાની જરૂર છે. અત્યાર સુધીની આર્થિક સહાયતા અને આવતા સમયમાં વધારવામાં આવનાર અનુમાન સાથે અમારૂ માનવુ છે કે લોકડાઉન તથા લોકોના ગભરાટને કારણે માર્ચ તથા આવતા ત્રિમાસિકગાળામાં આર્થિક ગતિવિધિમાં ઝડપી ઘટાડો થશે.  રેટીંગ એજન્સીએ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવશે તેવુ પણ જણાવ્યુ હતું. આ એવી મંદી હશે જેને અત્યાર સુધી કોઈએ નહિ સાંભળી હોય કે નહી વાંચી હોય ડબલ્યુટીઓના પ્રમુખે આમ જણાવ્યુ છે. તેમણે જીનીવામાં કહ્યુ હતુ કે આજે આપણે જેનો સામનો કરી રહ્યા છીએ તેનાથી વિશ્વ ભયાનક મંદીમાં જઈ શકે છે. વિશ્વ વ્યવહાર ૩૨ ટકા સુધી ઘટી શકે છે.

(10:56 am IST)