Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાનો ડર

ચલણી નોટો પણ સાબુના પાણીથી ધોવે છે

મૈસૂર,તા.૯: સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા કેટલાક વિડીયોમાં જોવા મળ્યું છે કે દ્યણા લોકો ઈરાદાપૂર્વક કોરોના વાયરસ ફેલાવવા માટે ચલણી નોટોના બંડલ પર થૂંક લગાવતા અને નાક વડે લૂછતા જોવા મળે છે. જેના કારણે મંડ્યા ગામના લોકો તેમની ચલણી નોટોને સાબુના પાણીથી ધોવે છે.

મંડ્યા શહેરથી ૧૮ કિમી દૂર આવેલા મરાનાચાકાનાહાલી ગામના લોકો તાજેતરમાં જ ૨,૦૦૦, ૫૦૦ અને ૧૦૦દ્ગક નોટોને સાબુના પાણીથી ધોતા જોવા મળ્યા હતા અને બાદમાં તે નોટોને સૂકવવા મૂકી હતી. ગામવાસીઓનું કહેવું છે કે તેમને તે ચલણી નોટો વેપારીઓએ આપી છે જેમણે તેમની પાસેથી સિલ્કના કોકન ખરીદ્યા હતા.

ગામના એક વ્યકિત કુમાર ગૌડાએ કહ્યું હતું કે, 'સોશિયલ મીડિયા પર દ્યણા વિડીયો વાઈરલ થયા છે જેમાં કેટલાક લોકો કોરોના વાયરસનો ચેપ ફેલાવવા માટે ચલણી નોટો પર થૂંક લગાવે છે અને તેને નાક કે મોઢા પર દ્યસે છે. અમે આ વિડીયો જોયા હતા. તેના કારણે અમારી ચિંતા વધી ગઈ છે કેમ કે અમે અમારો પાક સીધો ગ્રાહકોને કે પછી વેપારીઓને આપીએ છીએ અને તેના બદલે રોકડ રૂપિયા લઈએ છીએ.'

કોરોના વાયરસ પ્લાસ્ટિક અને સ્ટેઈનલેસ સ્ટીલ તથા અન્ય સપાટી પર કેટલાક કલાક જીવે છે તેના કારણે જિલ્લા વહિવટી તંત્રએ લોકોને પોતાના હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવાની અપીલ કરી છે. ચલણી નોટોના વ્યવહાર બાદ પણ હાથને સાબુ અને પાણીથી ધોવાનું કહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ કેશના બદલે ઈલેકટ્રોનિક પેમેન્ટનો ઉપયોગ કરે. જોકે, ગામવાસીઓ તો તેનાથી પણ એક કદમ આગળ ગયા છે અને તેઓ પોતાની ચલણી નોટો પણ ધોવે છે, તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ગામના અન્ય એક રહેવાસી બોરે ગૌડાએ કહ્યું હતું કે ગામના લોકો ઈલેકટ્રોનિક પેમેન્ટની રીતથી વધારે માહિતગાર નથી અને તેથી તેઓ ફકત રોકડમાં જ વ્યવહાર કરે છે. માંડ્યા જિલ્લા પંચાયતના સીઈઓ કે યાલ્લાકિગૌડાનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ગામના લોકો ભોળા છે અને તેઓ કોરોના વાયરસનો ચેપ ન લાગે તેના ડરથી આવું કરી રહ્યા છે.

(9:54 am IST)