Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પ્લેન ક્રેશ થતા એમેઝોનના ખતરનાક જંગલોમાં ફસાયો પાયલોટ : ચકલીનાં ઈંડાં અને જંગલી ફળો ખાઈને પાંચ સપ્તાહ પસાર કર્યા

પાયલોટ એન્ટોનિયા સતત મદદ મેળવવા માટે જંગલમાં ચાલતો રહ્યો આખરે તેને રેસ્ક્યૂ ટીમ પણ મળી ગઈ

નવી દિલ્હી : 36 વર્ષનો એક પાઇલટ એમેઝોનના ખતરનાક જંગલોમાં ફસાઈ ગયા પછી અંતે તે પોતાના ઘરે પહોંચ્યો હતો,એન્ટોનિયો સેના નામની આ વ્યક્તિ છેલ્લાં 5 સપ્તાહથી જંગલમાં તેના દિવસો પસાર કરી રહ્યો હતો. આ પાંચ સપ્તાહ દરમિયાન તેણે ચકલીનાં ઈંડાં અને જંગલી ફળો ખાઈને એ દિવસો પસાર કર્યા હતા.

એન્ટોનિયો 28 જાન્યુઆરીથી ગુમ હતો.તેણે પોર્ટુગલના અલેંકેર શહેરથી ઉડાન ભરી હતી અને તે અલમેરિયમ શહેર જઈ રહ્યો હતો. હકીકતમાં તેના પ્લેનમાં મિકેનિકલ પ્રોબ્લેમ આવ્યા પછી તેણે પ્લેનને એમેઝોનના જંગલમાં લેન્ડ કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે એ પહેલાં પ્લેનનમાં આગ લાગી ગઈ હતી. જોકે પ્લેન ક્રેશ થાય એ પહેલાં એન્ટોનિયોએ એક બેગમાં બ્રેડ અને જરૂરી સામાન મૂકી દીધો હતો.

એન્ટોનિયો પ્લેન ક્રેશમાંથી તો બચી ગયો, પરંતુ એમેઝોનનાં વેરાન જંગલોમાં તેમની મુશ્કેલીઓ ઓછી નહોતી. તેણે તેનું પહેલું સપ્તાહ તો પ્લેનની પાસે જ બેસીને પસાર કર્યું હતું. બીજી બાજુ એન્ટોનિયો ગુમ થયા પછી તેમની રેસ્ક્યૂ ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે પક્ષીનાં ઈંડાં અને જંગલી ફળો ખાઈને તેના દિવસો પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો

પોતાના પ્લેન પાસે ઘણા દિવસો સુધી રહ્યા પછી એન્ટોનિયા સતત મદદ મેળવવા માટે જંગલમાં ચાલતો રહ્યો હતો. આ દરમિયાન તેને રેસ્ક્યૂ ટીમ પણ મળી ગઈ હતી. આ ટીમને મળ્યા પછી તે ઘણો ઈમોશનલ થઈ ગયો હતો. 36 વર્ષના આ પાઈલટનું વજન પણ ઓછું થઈ ગયું છે. જોકે એક મહિના કરતાં પણ વધુ સમય સુધી જંગલી જાનવરોની હાજરીવાળા એમેઝોન જંગલમાં પણ એન્ટોનિયા મજબૂતથી ટકી રહ્યો હતો. ડોક્ટર્સે અમુક નાની-મોટી ઈજા અને ડિહાઈડ્રેશનની ટ્રીટમેન્ટ કરીને તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

એન્ટોનિયાએ ઈમોશનલ થતાં કહ્યું હતું કે એક વસ્તુ જેણે મને સતત હિંમત આપી અને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી એ મારા પરિવાર પ્રતિ મારો પ્રેમ હતો. હું મારા પરિવારને ફરી મળવા માગતો હતો. હું મારાં ભાઈ-બહેન અને પેરન્ટ્સને મળવા માગતો હતો. એને કારણે જ હિંમત રાખતો ગયો અને ક્યારેય આશા ના છોડી.

(11:26 pm IST)