Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આજીવન મદદ માટે બેકાર પુત્રનો માતા-પિતા સામે કેસ

લંડનમાં રહેતો યુવક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છે : કાયદાનો અભ્યાસ કરનારો યુવક લગભગ ૧૦ વર્ષથી બેકાર છે, આજે પણ પોતાના માતા-પિતા પર નિર્ભર છે

લંડન, તા. ૯ : છેલ્લા ઘણાં વર્ષોથી બેરોજગાર એવા ૪૧ વર્ષીય શખસે હવે પોતાના વૃદ્ધ માતા-પિતા પર કેસ કર્યો છે. આ શખસનું નામ ફૈઝ સિદ્દિકી છે અને તેણે પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ફૈઝ સિદ્દિકીએ ઓક્સફોર્ડમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. પણ, તે લગભગ છેલ્લાં ૧૦ વર્ષથી બેરોજગાર છે અને આજે પણ પોતાના માતા-પિતા પર નિર્ભર છે.

ફૈઝ સિદ્દિકી નામના આ શખસે પોતાના પરિવાર પર કેસ કરતા એક ડિમાન્ડ કરી છે. આ ડિમાન્ડ એવી છે કે આ શખસને તેના માતા-પિતા આજીવન આર્થિક મદદ કરતા રહે. ફૈઝ સિદ્દિકીના માતા-પિતા દુબઈમાં રહે છે અને લંડનમાં તેમનો એક ફ્લેટ પણ છે. ફૈઝ સિદ્દિકી છેલ્લાં ૨૦ વર્ષથી અહીં ભાડું આપ્યા વિના રહે છે. મળતી માહિતી મુજબ, આ ફ્લેટની કિંમત ૧ મિલિયન પાઉન્ડ્સ કરતા પણ વધારે હોવાનું જાણવા મળે છે.

ફૈઝ સિદ્દિકી નામના આ શખસના માતાની ઉંમર ૬૯ વર્ષ છે જ્યારે તેના પિતાની ઉંમર ૭૧ વર્ષ છે. હાલ ફૈઝ સિદ્દિકીને દર અઠવાડિયે તેના માતા-પિતા ૪૦૦ પાઉન્ડ (ભારતીય રાશિ મુજબ આશરે ૪૦ હજાર રૂપિયા)ની રકમ પહોંચાડે છે. એટલે કે ફૈઝ સિદ્દિકીને તેના માતા-પિતા દર મહિને દોઢ લાખ રૂપિયા મોકલી આપે છે. સાથે-સાથે બિલના પૈસા પણ મોકલી આપે છે. હવે ફૈઝ સિદ્દિકી સાથે થયેલા ઝઘડા બાદ તેના માતા-પિતા તેને સપોર્ટ કરવા નથી માગતા. ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ, ફૈઝ સિદ્દિકીના કહેવા મુજબ તે આર્થિક સપોર્ટ માટે પૂરો હકદાર છે. બાળપણથી તેની તબિયત ખરાબ રહે છે. આ કારણે તેના કરિયર અને લાઈફને ઘણું નુકસાન પહોંચ્યું છે. જો આવામાં તેના માતા-પિતા સપોર્ટ નહીં કરે તો આ તેના માનવઅધિકારોનું ઉલ્લંઘન થશે. જ્યારે ફૈઝ સિદ્દિકીના માતા-પિતાના વકીલનું કહેવું છે કે ફૈઝ સિદ્દિકીના માતા-પિતા છેલ્લાં ઘણાં વર્ષોથી તેની ડિમાન્ડ્સ પૂરી કરી રહ્યા છે પણ હવે તેઓ એવું કરવા નથી માગતા.

(9:19 pm IST)