Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બ્રિટનની સંસદમાં ભારતમાં 'ખેડૂતોની સુરક્ષા' અને 'પ્રેસની સ્વતંત્રતા' સંબંધિત ઈ-પિટિશન ઉપર ચર્ચા

ભારતના હાઈકમિશને કડક પ્રતિક્રિયા આપી : કહ્યું - ભારતમાં સ્થાપિત સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા ઉપર કુઠરાઘાત સમાન

નવી દિલ્હી : મજૂરપક્ષના સંસદસભ્ય જર્મી કોર્બિને કહ્યું કે તેઓ મક્કમતાપૂર્વક ભારતના ખેડૂતોની સાથે છેબ્રિટનની સંસદના વેસ્ટમિંસ્ટર કમિટી રૂમમાં સોમવારે ભારતમાં 'ખેડૂતોની સુરક્ષા' અને 'પ્રેસની સ્વતંત્રતા' સંબંધિત ઈ-પિટિશન ઉપર ચર્ચા થઈ હતી, જેની ઉપર ભારતના હાઈકમિશને કડક પ્રતિક્રિયા આપી છે.

બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયોગનું કહેવું છે, "અમને ખૂબ જ અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાને બદલે તેનાં સંસ્થાનો ઉપર આરોપ મૂકવામાં આવી રહ્યા છે."

નિવેદનમાં જણાવાયા પ્રમાણે, "જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા, તે ભારતમાં સ્થાપિત સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા ઉપર કુઠરાઘાત સમાન છે. વધુ એક વખત ભારતમાં લઘુમતી સમુદાય સાથેના વ્યવહાર ઉપર સંશય પેદા કરીને 'કાશ્મીર'માં કથિત માનવાધિકારના ભંગના દાવા કરીને બ્રિટિશ-ભારતીય સમુદાયને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.

"બ્રિટિશ સહિત અનેક વિદેશી મીડિયા ભારતમાં સક્રિય છે અને તેઓ આ તમામ ઘટનાઓ જોઈ ચૂક્યા છે, જેની ચર્ચા પણ થઈ છે. ભારતમાં મીડિયાસ્વાતંત્ર્ય અંગે ક્યારેય સવાલ ઊભો થયો જ નથી."

 

સોમવારે બ્રિટનની સંસદના પરિસરમાં 90 મિનિટ સુધી ભારતમાં 'ખેડૂતોની ચર્ચા' તથા 'પ્રેસની સ્વતંત્રતા' વિશે ચર્ચા કરવામાં આવી હતી.

મજૂરપક્ષ, લિબરલ ડેમૉક્રૅટ્સ તથા સ્કૉટિશ નૅશનલ પાર્ટીના અનેક સંસદસભ્યોએ વિરોધપ્રદર્શનો ઉપર ભારત સરકારની પ્રતિક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આના જવાબમાં બ્રિટનની સરકારે કહ્યું હતું, "જ્યારે બંને દેશના વડા પ્રધાન વ્યક્તિગત રીતે મળશે, ત્યારે આ ચિંતાઓને ભારત સમક્ષ રજૂ કરવામાં આવશે."

મૈડનહેડની બેઠક ઉપરથી ભારતીય મૂળના લિબરલ ડેમૉક્રૅટ ગુરચસિંઘની પિટિશનને ગણતરીનાં અઠવાડિયાંમાં એક લાખ કરતાં વધુ બ્રિટિશ નાગરિકોએ અનુમોદન આપ્યું હતું.

ચર્ચાની શરૂઆતમાં સ્કૉટિશન નૅશનલ પાર્ટીના માર્ટિન ડેએ કહ્યું :" બ્રિટિશ સરકાર અગાઉ જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે કૃષિ સુધાર સંબંધિત કાયદા ભારત સરકારે લીધેલો નિર્ણય છે. એટલે અમે કૃષિ સુધાર ઉપર ચર્ચા નથી કરી રહ્યા. અમે પ્રદર્શનકારીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી રહ્યા છીએ."

"વૉટર-કૅનન અને આંસુગૅસના ઉપયોગ, પોલીસ અને ખેડૂતો વચ્ચે અનેક વખત અથડામણો તથા ઇન્ટરનેટ ઉપર વારંવારનો પ્રતિબંધ એ ચિંતાજનક બાબતો છે. અનેક ખેડૂતોએ કથિત રીતે આત્મહત્યા પણ કરી છે."

ભારતમાં ખેડૂતો અને પત્રકારો અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાનો જવાબ આપતી વેળાએ એશિયન દેશો માટે બ્રિટનના પ્રધાન નાઇજલ એડમ્સે કહ્યું હતું કે 'બ્રિટનના ભારત સાથેના નિકટતાપૂર્ણ સંબંધો એ કોઈ દેશને પોતાની ચિંતા વ્યક્ત કરતા અટકાવી ન શકે.'

લેબર પાર્ટીના સંસદસભ્ય જર્મી કોર્બિને કહ્યું, "આવા અભૂતપૂર્વ પ્રદર્શોને કારણે આપણે એ વિચારવા માટે મજબૂર બની જઈએ છીએ કે શા માટે આટલી મોટી સંખ્યામાં લોકો બહાર આવી રહ્યા છે."

"પત્રકારોની ધરપકડ પણ ચિંતાનો વિષય છે. ખેડૂતોને વિરોધપ્રદર્શનોનો પૂર્ણ અધિકાર છે અને અમે મક્કમતાપૂર્વક તેમની સાથે છીએ."

સમગ્ર ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય હાઈકમિશને પોતાના નિવેદનમાં જણાવ્યું, "ભારતનું હાઈકમિશન સામાન્ય રીતે આંતરિક ચર્ચા ઉપર ટિપ્પણી કરવાનું ટાળતું હોય છે, કારણ કે તેમાં સંસદસભ્યોનો નાનો સમૂહ મર્યાદિત સંખ્યામાં સામેલ થતો હોય છે."

"પરંતુ મૈત્રી અને ભારત માટે સ્નેહના દાવાની વચ્ચે જો કોઈ ભારત ઉપર આક્ષેપ મૂકે, તો વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવી રહી."

ઉલ્લેખનીય છે કે ભારતની સંસદ દ્વારા કૃષિ સુધાર સંબંધિત ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે. જેની વિરુદ્ધ દિલ્હીની સીમાએ નવેમ્બર મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

ગયા મહિને પૉપસ્ટાર રિહાના, પર્યાવરણ કાર્યકર્તા ગ્રૅટા થનબર્ગ સહિત કેટલાક અમેરિકન અને બ્રિટિશ સંસદસભ્યોએ ટિપ્પણીઓ કરી હતી, જેના પછી ભારત સરકારે આ મુદ્દે નિવેદન બહાર પાડ્યું હતું.

ભારતના વિદેશવિભાગે કહ્યું હતું, "અમે ભારપૂર્વક કહેવા માગીશું કે આ વિરોધપ્રદર્શનોને ભારતના લોકશાહી વિચાર, રાજનીતિ તથા મડાગાંઠને ઉકેલવા માટે સરકાર તથા સંબંધિત ખેડૂતજૂથોના પ્રયાસના સંદર્ભ સાથે જોવા જોઈએ."

(6:38 pm IST)