Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સાઉથના 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારથી પોલીસે 200 જેટલા ક્રૂડ બોમ્બ જપ્ત કર્યાં : ચૂંટણી દરમિયાન આટલા મોટા પ્રમાણમાં દેશી બોમ્બ મળી આવતા ચકચાર :આખરે આ બોમ્બનો ઉપયોગ ક્યાં થવાનો હતો? પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં સાઉથ 24 પરગણા જિલ્લાના ભાંગર વિસ્તારથી પોલીસે લગભગ 200 જેટલા ક્રૂડ બોમ્બ જપ્ત કર્યાં છે. ચૂંટણી દરમિયાન આટલા મોટા પ્રમાણમાં દેશી બોમ્બ મળી આવતા ચકચાર મચી છે. હાલ કાશીપુર પોલીસ કેસની તપાસ કરી રહી છે કે આખરે આ બોમ્બનો ઉપયોગ ક્યાં થવાનો હતો?

ગત સપ્તાહના શુક્રવારે જ સાઉથ 24 પરગણામાં ક્રૂડ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં ભાજપનો એક કાર્યકર્તા મોતને ભેટ્યો હતો. જ્યારે 5 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર જણાતા તેમને કોલકત્તાની રાજકીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અગાઉ ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળના મંત્રી જાકિર હુસૈન પર મુર્શિદાબાદ જિલ્લાના નિમિતા રેલવે સ્ટેશન પર ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જાકિર હુસૈન ગંભીર રીતે ઘાયલ થયા હતા હાલ આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરી રહી છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તમામ મતદાન મથકો સંવેદનશીલ છે. આથી ત્યાં સેન્ટ્રલ ફોર્સને તૈનાત કરવામાં આવશે. જેનાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી શક્ય થઈ શકશે. 27 માર્ચના પ્રથમ તબક્કાના મતદાનમાં સેન્ટ્રલ ફોર્સની ઓછામાં ઓછી 415 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાઓનો ગ્રાફ ઉચકાયો છે અને ચૂંટણી પંચ આ બાબતને લઈને જ ચિંતિત છે.

(5:39 pm IST)