Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ : રાજ્યપાલ બેબી રાની મોર્યાને પોતાનું રાજીનામુ સોપ્યુ : ભાજપના કેટલાક ધારાસભ્ય અને કેટલાક મંત્રીઓની નારાજગી વચ્ચે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય ગરમાવો

દહેરાદુન: ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મોર્યાને મળીને પોતાનું રાજીનામુ સોપ્યુ હતું. ભાજપના કેટલાક ધારાસભ્ય અને કેટલાક મંત્રીઓની નારાજગી વચ્ચે મુખ્યમંત્રી પદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામુ આપવુ પડ્યુ છે.
ઉત્તરાખંડમાં ભાજપની સરકારના ચાર વર્ષ પુરા થયા પહેલા જ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત વિરૂદ્ધ પાર્ટી અને વિધાનમંડળ દળમાં બળવા જેવો સંકટ ઉભો થયો હતો. એવામાં ભાજપે સુપરવાઇઝર તરીકે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને દુષ્યંત કુમાર ગૌતમને દહેરાદુન મોકલ્યા હતા, જ્યા તેમણે પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
કેન્દ્રીય સુપરવાઇઝર સાથે દહેરાદુનમાં વાતચીતમાં ભાજપના ધારાસભ્યોએ સ્પષ્ટ કહ્યુ હતું કે ત્રિવેન્દ્રસિંહ રાવતની આગેવાનીમાં 2022ની ચૂંટણી યોજાશે તો પાર્ટીની જીત મુશ્કેલ છે. બીજી તરફ ભાજપના બન્ને સુપરવાઇઝરોએ પોતાનો રિપોર્ટ પાર્ટી હાઇ કમાનને સોપી હતી જેમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાની વાત કહેવામાં આવી હતી. તે બાદ ભાજપના ટોચના નેતૃત્વએ ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવા મુખ્યમંત્રીની ખુરશી છોડવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યના નવા મુખ્યમંત્રી માટે વિધાયક દળની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે, જે બાદ નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે.

(4:48 pm IST)