Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

નવા મુખ્યમંત્રી પદે અનિલ બલૂની અને ધનસિંહ રાવતના નામ મોખરે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાવતને હટાવાશે : હાઇકમાન્ડનો નિર્ણય

ત્રિવેન્દ્રસિંહ રાવત બપોરે ૪ વાગ્યે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત : રાજીનામુ આપશે

નવી દિલ્હી તા.૯ : ઉતરાખંડમાં ભાજપ સરકારમાં આંતરિક બળવાખોરીને પગલે છેવટે મુખ્યમંત્રીપદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતને હટાવવાનો હાઈકમાંડે નિર્ણય લીધો છે. એકાદ-બે દિવસમાં નવા મુખ્યપ્રધાનની પસંદગી થશે. માહિતગાર સૂત્રોએ કહ્યું કે મુખ્યમંત્રીપદ બચાવવા માટે રાવત દિલ્હી દોડયા હતા. પરંતુ નિરીક્ષકોના રીપોર્ટના આધારે પાર્ટી નેતાગીરીએ તેઓને હટાવવાનો નિર્ણય લઈ લીધો છે. નવા મુખ્યપ્રધાન તરીકે બે નામો ચર્ચામાં છે. સંસદીય બોર્ડ દ્વારા નામ ફાઈનલ કરાયા બાદ વિધાનસભા પક્ષની બેઠકમાં મહોર લગાવાશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની વિદાય નિશ્ચિત છે. ટુંક સમયમાં ધારાસભ્યોની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે. અમિતભાઇ શાહની નજીક ગણાતા રાજ્યસભાના સાંસદ અનિલ બલૂનીનું નામ મુખ્યમંત્રી પદમાં મોખરે છે. બીજુ નામ ધનસિંહ રાવતનું પણ ચાલી રહ્યું છે. જે હાલમાં કેબીનેટ મંત્રી છે. આ રીતે ઉત્તરાખંડમાં બીજેપી મુખ્યમંત્રી બદલાય તે હવે નિશ્ચિત છે. હાઇકમાન્ડની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડી.એલ.સંતોષ અને વિશેષ મોકલેલા નિરીક્ષક દુષ્યંત ગૌતમની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

(2:55 pm IST)