Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

બંગાળમાં ફરીથી બનશે મમતા સરકાર : કેરળમાં ડાબેરીઓ ગઢ સાચવી શકે : તામિલનાડુમાં સતા પરિવર્તન :આસામમાં ભાજપની સત્તામાં વાપસી : સર્વે

ટાઈમ્સ નાઉ અને સી વોટરે સાથે મળીને સર્વે કર્યો: બંગાળમાં સત્તાપ્રાપ્તિ કરશે છતાં ટીએમસી નબળી પડશે, અને ભાજપ વધુ મજબૂત થશે: જાણો કયા રાજ્યમાં કોને મળશે કેટલી સીટ

નવી દિલ્હી : ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પારો આસમાને ચડી રહ્યો છે, ત્યારે લગભગ બધી જ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં જોરશોરથી મચી પડી છે.

પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ. તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય ઘમાસાણ થવાના એંધાણ વર્તાઈ રહયા છે, આગામી અમુક મહિના સુધી તો આ પ્રદેશોની રાજનીતિની ગરમી પણ વાતાવરણની ગરમીની માફક વધતી જ જવાની છે, એવા સમયે આ રાજ્યોમાં હવે આગામી કઈ પાર્ટીની સરકાર બનશે તેને લઈને સી વોટર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે

આ સર્વે ટાઈમ્સ નાઉ અને સી વોટર દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો છે, જો કે આ સર્વેના અમુક તારણો ચોંકાવનારા જોવા મળી રહયા છે. પહેલા જો વાત કરીએ કેરળની તો અહીં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની સત્તામાં વાપસી થઇ શકે છે. જેને પ્રદેશની 140માંથી 82 સીટો મળવાની સંભાવના છે, તો સામે કોંગ્રેસના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને 56 સીટો મળવાની સંભાવના દેખાઈ રહી છે. જો કે ભાજપને એક જ સીટ મળી શકે છે.

આસામમાં ભાજપની ફરીથી વાપસી થઇ શકે છે, એનડીએ ગઠબંધનને આ વખતે 126 કુલ સીટોમાંથી 67 સીટો મળવાનું અનુમાન છે જ્યારે કે યુપીએના ખાતામાં 39થી વધીને સીટો 57 થવાનું અનુમાન છે પણ સત્તા પ્રાપ્તિથી દૂર જ રહેશે. સરકાર બનાવવા માટે 64 સીટોની જરૂર છે.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આ વખતે 154 સીટો મળવાનું અનુમાન છે, ભાજપને આ વખતે 107 સીટો મળી શકે છે, જો કે ગત ચૂંટણીમાં ટીએમસીને 211 સીટો મળી હતી જેના કરતા આ વખતે તેને નુકસાન થતું દેખાઈ રહ્યું છે, જ્યારે કે ગત ચૂંટણીમાં માત્ર 3 સીટો જીતનારી ભાજપને 107 સીટો મળી શકે છે. સર્વેના પ્રમાણે ટીએમસી બંગાળમાં સત્તાપ્રાપ્તિ તો કરી શકે છે, પણ આ વખતે તે નબળી પડશે, અને ભાજપ વધુ મજબૂત થશે.

દક્ષિણના સૌથી પ્રમુખ પૈકીના એક રાજ્ય ગણાતા તામિલનાડુમાં આ વખતે સત્તા પરિવર્તનના એંધાણ છે, અન્નાદ્રમુકની આગેવાની વાળા એનડીએને માત્ર 65 સીટો મળવાનું અનુમાન છે જ્યારે કે ડીએમકેના વડપણ હેઠળના યુપીએને 158 સીટો મળી શકે છે, કુલ મળીને તમિલનાડુમાં યુપીએ સરકાર બની શકે છે. જયારે કે એક કેન્દ્રશાસિત પ્રદેશ પુદુચ્ચેરીમાં 30 વિધાનસભા સીટોમાંથી 16 થી 20 સીટો એનડીએને મળી શકે છે.

(9:43 am IST)