Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પાકિસ્તાનની હવાઇ સીમા બંધ રહેવાથી એર ઇન્ડિયાને રોજનું ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન

સમય બે કલાક જેટલો વધી ગયો

નવીદિલ્હી તા.૯: પાકિસ્તાનની હવાઇ સીમા બંધ રહેતી હોવાને કારણે એર ઇન્ડિયાને યુરોપ તથા અમેરિકાની એની ફલાઇટ્સને લીધે રોજનું ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ પાકિસ્તાને ગયા સપ્તાહના બુધવારથી ભારત તથા અન્ય દેશોનાં ઉડ્ડયનો માટે પોતાની હવાઇ સીમા બંધ કરી દીધી છે. એને લીધે વિમાનોને તેની બહારથી લઇ જવા પડે છે અને તેથી ઉડ્ડયનનો સમય વધી ગયો છે અને મુંબઇના એર ટ્રાફિક કન્ટ્રોલર પર બોજ વધી ગયો છે.

પાકિસ્તાની સત્તાવાળાઓએ હવાઇ સીમાના ઉપયોગ પરનો પ્રતિબંધ ગઇ કાલની એટલે કે શુક્રવારની બપોર સુધી લંબાવ્યો હતો.

એર ઇન્ડિયા ન્યુયોર્ક, નેવાર્ક, શિકાગો, વોશિંગ્ટન અને સેન ફ્રાન્સિસ્કોનાં ૧૪-૧૬ કલાકનાં નોન-સ્ટોપ ઉડ્ડયનો ચલાવે છે. દિલ્હી અને મુંબઇથી કુલ ૩૬ ઉડ્ડયનો પડે છે. આ ઉડ્ડયનો પાકિસ્તાનની હવાઇ સીમાનો ઉપયોગ કરે છે, પરંતે હવે એ બંધ થવાથી તેમણે મોટું ચક્કર મારવું પડે છે. દિલ્હીથી ઊપડતાં વિમાનો દક્ષિણ તરફ જઇને ઓમાન અને ઇરાનની હવાઇ સીમામાં પ્રવેશે છે. તેને લીધે ઉડ્ડયનનો સમય બે કલાક જેટલી વધી ગયો છે. ઉપરાંત, એરલાઇને આવતાં -જતાં શાહજાહમાં ઇંધણ પુરાવવા ઊતરવું પડે છે. એર ઇન્ડિયા યુરોપનાં ૧૦ શહેરોમાં ઉડ્ડયનો લઇ જાય છે. તેમાં સાડાસાતથી નવ કલાકનો સમય લાગે છે. હવે પાકિસ્તાનની હવાઇ સીમા બંધ થવાથી ઉડ્ડયનનો સમય દોઢ કલાક જેટલો વધી ગયો છે.

રોજનો ત્રણ કરોડનો ખર્ચ વધી ગયો હોવા છતાં એર ઇન્ડિયાએ એક પણ ઉડ્ડયન રદ કર્યું નથી. જો પાકિસ્તાનની હવાઇ સીમા હજી પણ બંધ રહેશે તો અમેરિકા સુધીનાં ઉડ્ડયન વિમાનો શારજહાથી જવાને બદલે બર્મિંગહેમ કે વિયેના થઇને લઇ જવાશે. (૧.૨૦)

 

(3:21 pm IST)