Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આહિર સમાજની ૩ દીકરીઓ જોડાશે BSFમાં : લેખિત પરીક્ષા પાસ કરી : હવે આપશે ફીઝીકલ ટેસ્ટ

દેશની સેવા કરવાનો અનેરો થનગનાટ : મહિલા સશકિતકરણને વેગ

નવી દિલ્હી તા. ૯ : ગુજરાતમાં આહિર સમાજની ૩ દીકરીઓ સરહદ સલામતી દળમાં જોડાશે. તેઓએ આ માટેની લેખિત પરીક્ષા પણ પાસ કરી છે અને દેશ સેવા માટે હવે જોડાવા માટે ફીઝીકલ ટેસ્ટની તૈયારી કરી રહી છે.

દેશમાં એક સમય એવો હતો જયારે ઘરના પુરૂષો બહાર કમાવા જતા અને મહિલાઓ ઘર અને બાળકોને સંભાળતી, પરંતુ સમય જતાં આ બધું બદલાયું. દેશની મહિલાઓ આજે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. કોઈ એવું ક્ષેત્ર નહીં હોય જયાં મહિલાઓ કામ નહીં કરતી હોય. કેટલાક ફીલ્ડ એવા હતા જયાં પહેલા માત્ર પુરૂષો જ કામ કરતાં હતા પરંતુ મહિલાઓએ આ ફિલ્ડમાં કામ કરી જૂની માનસિકતાને તોડી પાડી.

ગુજરાતમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે પણ હવે જાતિવાદ અને સામાજિક ક્રાંતિ થઈ રહી છે. પાટણ પાસે આવેલા ગામમાં રહેતા આહિર સમાજની ત્રણ દીકરીઓએ બીએસએફમાં જવા માટેની લેખિત પરીક્ષા પાસ કરી છે. દેશની સેવા કરવાનો નિર્ધાર કરનારી આ દીકરીઓએ હવે ફિઝિકલ ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

રામી આહિર કે જેની ઉંમર ૨૦ વર્ષ છે તે ઘરના નવ બાળકોમાંથી સૌથી નાની છે. તેના ઘરમાંથી માત્ર રામી જ કોલેજ સુધી પહોંચી છે, તેના અન્ય ભાઈ-બહેન કયારેય સ્કૂલે પણ ગયા નથી. રામી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં ભારત-પાકિસ્તાન બોર્ડરથી ૪૫ કિમી દૂર આવેલા ધોકાવાડા ગામમાં રહે છે, જયાં તે હંમેશા બીએસએફના જવાનોને પેટ્રોલિંગ કરતા જોતી હતી.

રામીએ કહ્યું કે, 'હું હંમેશા વિચારતી હતી કે જયારે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજયોમાંથી બીએસએફના જવાનો આપણી દેશની સીમાની રક્ષા કરતા હોય તો પછી આપણે સ્થાનિકો કેમ ફોર્સમાં જોડાઈ ન શકીએ. બીએસએફમાં જોડાવું તે મારા નાનપણથી જ સપનું હતું.' ભારત-પાકિસ્તાન બોર્ડરથી ૫૦ કિમી દૂર આવેલા બાકુત્રા ગામમાં રહેતી ૨૧ વર્ષીય શાનુ આહિર કે જે હાલ કોલેજના ત્રીજા વર્ષમા છે તેણે પણ બીએસએફના જવાન બનવા માટે આપવી પડતી લેખિત પરીક્ષાને પાસ કરી છે.

શાનુ આહિરે કહ્યું કે, 'હું બીએસએફના અધિકારીઓને જોઈને મોટી થઈ છું, દેશ માટે બધું સમર્પિત કરનાર આ જવાનોને જોઈને હું પ્રભાવિત થઈ છું. હું એક નીડર જવાન બનવા માગુ છું.' શાનુ આહિર પરિવારના છ સંતાનોમાંથી એક છે. શાનુ જયારે એક વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન નક્કી કરાયા હતા અને જયારે તે ૧૫ વર્ષની હતી ત્યારે તેના લગ્ન પણ થઈ ચૂકયા હતા. શાનુએ કહ્યું કે, 'મારા પતિ માત્ર ત્રણ ધોરણ સુધી જ ભણેલા છે, પરંતુ બીએસએફમાં જોડાવાના મારા સપનાને પૂરુ કરવા માટે તેઓ હંમેશા મને સપોર્ટ આપે છે. તેમણે મને કહ્યું કે હું ખેતી કરીશ પરંતુ તુ તારા સપનાને પૂરા કર.'

શાનુ આહિરની બહેનપણીનું નામ પણ શાનુ છે, જે હાલ ધોકાવાડા ગામમાં રહે છે. તેણે પણ લેખિત પરીક્ષા પાસ કરી છે. રામી અને બંને શાનુ ફિઝિકલ ટેસ્ટમાં પણ ઉતીર્ણ થાય તે માટે ગામમાં ૧૬૦૦ મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યાો છે. આહિર સમાજની આ ત્રણ છોકરીઓએ જણાવ્યું કે, 'હાલ કેળા અને દૂધ ખાઈને અમે વજન વધારી રહ્યા છીએ.'

સેવા (સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન)ના હેડ રીમા નાણાવટીએ જણાવ્યું કે, 'આ ત્રણેય છોકરીઓએ શાનુ કલાસિસમાંથી કોચિંગ મેળવ્યું હતું, આ કલાસીસ એક ૧૬ વર્ષીય છોકરીની યાદમાં શરૂ કરાયું હતું જે આગળ અભ્યાસ કરી શકી નહોતી. પરંતુ હાલ ગ્રામીણ વિસ્તારમાં રહેતી દીકરીઓ મહિલા સશકિતકરણને વેગ આપી રહી છે.' બીએસએફના આઈજીએ કહ્યું હતું કે બીએસએફમાં ૫ ટકા જોબ મહિલાઓ માટે અનામત રખાઈ છે.

 

(11:57 am IST)