Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મસ્જિદ શિફટ કરી શકાય : રામ અમારા માટે પણ પયગંબર છે : મૌલાના નદવી

ઇસ્લામી શરીયત મસ્જિદ શિફટ કરવાની મંજૂરી આપે છે

નવી દિલ્હી તા. ૯ : મૌલાના સલમાન નદવી કે જેમણે શ્રી શ્રી રવિશંકર સાથે મળીને અયોધ્યા વિવાદ મામલે સમજૂતી કરવાના પ્રયત્ન શરૂ કર્યાં હતાં, તેમણે કહ્યું છે કે, ઈસ્લામી શરીયત મસ્જિદ શિફટ કરવાની મંજૂરી આપે છે, અને રામ પણ અમારા માટે એક પયગંબર છે. જેથી અમન ખાતર મસ્જિદ માટે અન્ય જગ્યાએ મોટી જમીન લઈને સમજૂતી કરી લેવી જોઈએ.

અયોધ્યા વિવાદ મામલે મધ્યસ્થી માટે ત્રણ સભ્યોની સમિતિ રચવાના સુપ્રીપના નિર્ણય પર અંગે મૌલાના નદવીએ કહ્યું કે, કોર્ટમાં કેસ લડવાથી કોઈની હાર થાય તો કોઈની જીત, તેમાં જે જીતે છે તે પોતાને વિજેતા માને છે, અને જે હારી જાય છે તે, અમમાનની લાગણી અનુભવે છે. પરંતુ સમજૂતીથી માનવતાને પ્રોત્સાહન મળે છે.

નદવીએ કહ્યું કે, જયાં સુધી રામચંદ્રજીની શાખનો સવાલ છે તો તે એક ખુબ મોટા રિફોર્મર હતાં અને મુસલમાન માને છે કે, વિશ્વમાં એક લાખ ૨૪ હજાર પયગંબર થયાં હતાં. ભગવાન રામ પણ તેમના જમાનાના પયગંબર હતાં. માટે તેમનું માન જાળવીને વિવાદિત સ્થળ પર મંદિર બનાવવાની મંજૂરી આપી દેવી જોઈએ.

મૌલાના સલમાન નદવી દારૂલ ઉલૂમ નદવતુલ ઉલેમા વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદના નિરાકરણ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરવા આદેશ આપ્યો છે. આ કમિટીને ૪ સપ્તાહની અંદરમાં વર્ક રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવાનો રહેશે. મધ્યસ્થાની ચર્ચા ફૈઝાબાદમાં થશે, અને આ મામલે મીડિયા રિપોર્ટિંગ નહીં થાય.

(9:56 am IST)