Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારત અને ચીનને અમેરિકન ટેરિફ મુજબ નહિ ચાલવા બદલ જવાબી ટેક્સ લગાડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા આયાત ડ્યુટી લગાવી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારે ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી દીધી છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકાના ઉદ્યોગ અનુચિત વ્યવહારનો શિકાર છે અને તેની બહેતરી માટે આવા પ્રકારની ડ્યૂટી લગાવવી જરૂરી છે ટ્રમ્પે બે આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં એક આદેશ આયાતિત સ્ટીલ વર 25 ટકા ડ્યૂટી લગાવી છે અને બીજા આદેશમાં એલ્યુમિનિયમના આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવામાં આવી છે. જો કે આમાં કેનેડા અને મેક્સિકોને રાહત આપવામાં આવી છે.

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારત જેવા દેશોને અમેરિકન ટેરિફ પ્રમાણે નહીં ચાલવા પર જવાબી ટેક્સ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ ભારતમાં હાર્લી ડેવિડસન બાઈક પર લગાવાઈ રહેલી 50 ટકાની ડ્યૂટીને લઈને ઘણાં નારાજ છે અને તેમણે તાજેતરમાં આના સંદર્ભે ટીપ્પણી પણ કરી છે. હાર્લી ડેવિડસન એક અમેરિકન કંપની છે અને ભારતમાં તેના બાઈક્સનું ઘણું વેચાણ થાય છે. ટ્રમ્પ વારંવાર કહી ચુકયા છે કે ભારતમાંથી આયાત થનારી બાઈક્સ પર અમેરિકામાં ઝીરો ટેક્સ લગાવવામાં આવે છે.

    તેમણે ક્હ્યુ છે કે જો ચીન અમેરિકા પર 25 ટકા ચાર્જ લગાવશે અને ભારત 75 ટકા ચાર્જ કરશે તો અમેરિકા પણ આનો જવાબ આટલો જ ટેક્સ લગાવીને આપશે. જેવું કે તેમણે કેનેડા અને મેક્સિકો સિવાયના અન્ય દેશોના એલ્યુમિનિયમ પર દશ ટકા અને સ્ટીલ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ 25, 50 અથવા 75 ટકા લગાવે છે. તો અમેરિકા પણ આટલો જ ટેક્સ લગાવશે. આને પારસ્પરીક કહેવામાં આવે છે. માટે તેઓ જો પચાસ ટકા ચાર્જ કરશે. તો અમેરિકા પણ એટલો જ ટેક્સ લગાવશે.

(1:25 am IST)