Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

૨૦ સુધી કાર્તિની ઇડી ધરપકડ નહીં કરી શકે : હાલમાં રાહત

મની લોન્ડરિંગ કેસમાં હાઈકોર્ટની હળવી રાહત : દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટ દ્વારા કાર્તિ ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી અવધિ ૧૨મી માર્ચ સુધી વધારી દીધી

નવીદિલ્હી,તા. ૯ : દિલ્હી હાઈકોર્ટે કાર્તિ ચિદમ્બરમને ઇડીના મની લોન્ડરિંગ મામલામાં ૨૦મી માર્ચ સુધી ધરપકડથી વચગાળાની રાહત આપી દીધી છે. આનો મતલબ એ થયો કે, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કાર્તિ ચિદમ્બરમની ૨૦મી માર્ચ સુધી ધરપકડ કરી શકશે નહીં. જો કે, બીજી બાજુ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિની સીબીઆઈ કસ્ટડી ૧૨મી માર્ચ સુધી વધારી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, સીબીઆઈના મામલામાં જો સુનાવણી કરી રહેલી કોર્ટ કાર્તિને જામીન આપે છે તો આવી સ્થિતિમાં ઇડી દ્વારા આગામી સુનાવણીની તારીખ સુધી ધરપકડ કરી શકશે નહીં. હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલામાં સમન્સ જારી કરવા અને સુનાવણીને પડકાર ફેંકતી કાર્તિ ચિદમ્બરમની અરજી પર કેન્દ્ર સરકાર અને ઇડી પાસેથી જવાબની માંગ કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કાર્તિની સીબીઆઈ કસ્ટડી ૧૨મી માર્ચ સુધી વધારી દીધી છે. કાર્તિ ઉપર આઇએનએક્સ મિડિયા કેસમાં લાંચ લેવાનો આરોપ છે. તેમના ઉપર સહકાર નહીં આપવાનો પણ આક્ષેપ છે. ગયા વર્ષે ૧૫મી મેના દિવસે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંંબંધમાં બ્રિટનમાંથી પરત ફર્યા બાદ ચેન્નાઈ વિમાની મથક ખાતે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવામાં  આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં ગેરરીતિને લઇને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે વર્ષ ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ લઇ લેવા આઇએનએક્સ મિડિયાને કહ્યું હતું તે વખતે કાર્તિ ચિદમ્બરમના પિતા પી ચિદમ્બરમ નાણા મંત્રી તરીકે હતા. સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, એફઆઈપીબીની મંજુરી મેળવવા માટે લાંચ તરીકે કાર્તિ ચિદમ્બરમે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા સમન્સ ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કાર્તિ અને અન્યો સામે ઇડીએ કેસ દાખલ કર્યો હતો. કાર્તિ ચિદમ્બરમ આઈએનએક્સ મિડિયા કેસમાં હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. કાર્તિ ચિદમ્બરમની તર્કદાર દલીલો રહી છે પરંતુ કોર્ટ તેમનાથી સંતુષ્ટ નથી. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું છે કે, આરોપીના મોબાઈલને સીઝ કરી દેવામાં આવ્યો છે. તેમની પાસે પાસપોર્ટ માંગવામાં આવતા આપવામાં આવ્યો નથી. કાર્તિ તરફથી કોર્ટમાં અભિષેક મનુ સિંઘવી કેસ લડી રહ્યા છે. આ મામલામાં આઈએનએક્સ મિડિયા, તેમના ડિરેક્ટરો પીટર ઇન્દ્રાણીના નામ પણ જોડવામાં આવ્યા છે.

(7:24 pm IST)