Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ઇચ્છામૃત્યુના ચુકાદાથી વૃદ્ધ દંપત્તિ સંપૂર્ણપણે ખુશ નથી

૭૫થી ઉપરની વયના લોકોને અધિકાર મળે : ઇચ્છામૃત્યુ માંગ કરનાર દંપત્તિની નકારાત્મક પ્રતિક્રિયા

નવીદિલ્હી, તા. ૯ : સુપ્રીમ કોર્ટે આજે પેસિવ યુથેનેશિયા અથવા તો લિવિંગ વિલને કાયદાકીય માન્યતા આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ઐતિહાસિક ગણવામાં આવે છે પરંતુ સરકાર પાસેથી ઇચ્છામૃત્યુની માંગ કરનાર એક વૃદ્ધ દંપત્તિ આનાથી ખુશ નથી. ઇચ્છામૃત્યુની માંગ કરનાર મુંબઈના ૮૭ વર્ષીય નારાયણ લાવટે અને તેમની પત્નિ ૭૮ વર્ષીય ઇરાવતીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે નકારાત્મક પ્રતિક્રિયા આપી છે. લવાટેએ કહ્યું છે કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ૭૫ વર્ષની વય પુરી કરી ચુકેલા વૃદ્ધ લોકોને પણ આનો અધિકાર મળવો જોઇએ. તબીબો અથવા પોલીસ પાસેથી આવા લોકોની માહિતીની ખાતરી કરી શકાય છે. સરકારને આ સંબંધમાં એક નીતિ સાથે આગળ આવવું જોઇએ. દક્ષિણ મુંબઈના ચારણે રોડ સ્થિત ઠાકોર દ્વારમાં રહેનાર દંપત્તિની કોઇ સંતાન નથી. તેમને કોઇ ગંભીર બિમારી પણ નથી પરંતુ તેમને હવે લાગે છે કે, સમાજ માટે તેમની કોઇ જરૂરિયાત દેખાતી નથી. બીજી બાજુ પોતાની દેખરેખ કરવાની સ્થિતિમાં પણ નથી. નર્સ અરુણાની ઇચ્છામૃત્યુ માટે જ્યારે કેઇએમ હોસ્પિટલે દયાની અરજી કરી હતી ત્યારે આને વાંચીને દંપત્તિને પણ આવી જ ઇચ્છા થઇ હતી. ૨૧મી ડિસેમ્બરના દિવસે તેઓએ પોતાના વૃદ્ધ હોવાની વાતને રજૂ કરીને પોતાના જીવનને ખતમ કરવા માટે એક પત્ર લખ્યો હતો. એ વખતે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી તેમના જવાબની રાહ જોશે પરંતુ બે મહિના વિતિ ગયા બાદ પણ તેમની અરજીને ગંભીરતાપૂર્વક લેવામાં આવી નથી જેથી તેઓ આત્મહત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે.

(7:22 pm IST)