Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જો કેન્દ્ર સરકાર તરફથી અન્યાયી વલણ અને અવગણના ચાલુ રહી

-તો દક્ષિણના પાંચ રાજયો ભેગા મળી અલગ દેશ બનાવશે

ટીડીપીના સાંસદ મુરલી મોહન સનસનાટી મચાવે છેઃ કેન્દ્રનું વલણ દક્ષિણના રાજયો પત્યે વલણ સાવકુઃ સોશ્યલ મીડીયામાં વિડીયો વાઇરલ

હૈદરાબાદ, તા., ૯: ગઇકાલે ટીડીપીના પ્રધાનોએ કેન્દ્રીય મંત્રી મંડળમાંથી અને આંધ્રમાં ભાજપના બે પ્રધાનોએ રાજીનામા આપ્યા બાદ દિલ્હી અને આંધ્રમાં રાજકારણ ગરમાયું છે. એ દરમિયાન ટીડીપીના સાંસદ એમ.મુરલી મોહને એવો સનસનીખેજ ધડાકો કર્યો છે કે જો દક્ષિણના રાજયોની આમને આમ અવગણના થતી રહી તો દક્ષિણના રાજયો પોતાને અલગ રાષ્ટ્ર જાહેર કરી દેશે.

એકટર કમ પોલીટીશ્યન ટીડીપીના સાંસદ એમ મુરલી મોહનનો એક વિડીયો સોશ્યલ મીડીયામાં ફરી રહયો છે. જેમાં તેમણે દક્ષિણ ભારત પોતાને અલગ રાષ્ટ્ર જાહેર કરશે તેવી વાત જણાવી છે. આ વિડીયોમાં તેઓ એવું કહેતા માલુમ પડે છે કે દક્ષિણના રાજયના લોકોમાં એવી લાગણી છે કે તેઓને અવગણવામાં આવી રહયા છે. તેમણે એવી ચેતવણી ઉચ્ચારી છે કે દક્ષિણના પાંચ રાજયો પોતાને અલગ રાષ્ટ્ર જાહેર કરવા તરફ ફરજ પડે એવું ન થવા દયો. મળતા અહેવાલો મુજબ ૧ર મી ફેબ્રુઆરીએ રાજમુન્દ્રી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદ બાદ આ વિડીયો બહાર આવ્યો છે અને તે ગઇકાલે બે પ્રધાનોએ રાજીનામા આપ્યા બાદ ફરતો થયો છે.

આ વિડીયોમાં તેઓ એવું જણાવે છે કે અમે મહારાષ્ટ્રને બાદ કરતા દક્ષિણના રાજયો સૌથી વધુ કેન્દ્રની તીજોરીમાં નાણા જમા કરાવી રહયા છીએ. ત્યારે કેન્દ્ર સરકાર અમારી સામે શા માટે સાવકી માતા જેવું વર્તન કરે છે. અમને દરેક બાબતમાં અન્યાય કરવામાં આવી રહયો છે. હવે લોકોના મનમાં એવી લાગણી ઉભી થઇ છે કે જો કેન્દ્ર સરકાર કોઇ નક્કર નિર્ણય નહિ લ્યે તો દક્ષિણના બધા રાજયો એક થશે અને પોતાની અલગ ઓળખ બનાવશે.

 

(5:58 pm IST)