Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

નીરવ મોદી કૌભાંડ બાદ જવેલરીની ડિમાન્ડ ૨૦ ટકા ઘટી

જાન્યુઆરીથી સોનાનું હોલમાર્કિગ હજુ ફરજિયાત થયું નથી ત્યારે ગ્રાહકો હવે સોનાની શુદ્ધતા અંગે સાવચેત બન્યા છે તથા પોતાની ખરીદી હાલના ધોરણે મુલતવી રાખી રહ્યા છે : જ્વેલર્સ માટે હોલમાર્કિગને ફરજિયાત થશે તો લોકો હીરા મઢેલાં આભૂષણોના બદલે સોનાનાં સાદા આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે

કોલકતા તા.૯: નીરવ મોદી અને મેહુલ ચોકસીના રૂ.૧૨,૭૦૦ કરોડના છેતરપિંડી કેસ બાદ ડાયમંડ જ્વેલરી પરથી ભારતીય ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો છે. હીરાજડિત તથા સાદાં આભૂષણો માટેની માંગ વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકા ગગડી છે અને આ ઘટાડા માટે ફેબ્રુઆરીમાં બહાર આવેલા કરોડો  રૂપિયાની છેતરપીંડીના કેસને જવાબદાર માનવામાં આવે છે.

ટ્રેડર્સ એમ પણ ઉમેરે છે કે, જાન્યુઆરીથી સોનાનું હોલમાર્કિગ હજુ ફરજિયાત થયુ નથી ત્યારે ગ્રાહકો હવે સોનાની શુદ્ધતા અંગે સાવચેત બન્યા છે તથા પોતાની ખરીદી હાલના ધોરણે મુલતવી રાખી રહ્યા છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે એવા અહેવાલો મળી રહ્યા  છે કે ગીતાંજલી જૂથ દ્વારા સિન્થેટિક હીરાને સાચા હીરા તરીકે ગણાવીને વેચવામાં આવ્યા છે. આના કારણે ગ્રાહકોમાં ગભરાટ પ્રસર્યો છે કે જેઓ જ્વેલરીની ગુણવત્તા બાબતે ચકાસણી કરાવી રહ્યા  છે. દેશમાં ગોલ્ડ જ્વેલરી માર્કેટનુ કદ રૂ.૩ લાખ કરોડનું છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ઉમેર્યુ હતુ કે, ''રૂ.૧૨,૭૦૦ કરોડના કૌભાંડના કારણે માંગમાં વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે અમે આશાવાદી છીએ કે આ મહિનાના અંતથી પરિસ્થિતિમાં સુધારો શરૂ થશે. અમારી ધારણા એવી છે કે તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિગને ફરજિયાત બનાવવામાં આવશે તો લોકો હીરા મઢેલા આભૂષણોના બદલે સોનાના સાંદા આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે'' સરકારે એવો નિર્દેશ આપ્યો છે. કે જાન્યુઆરીથી હોલમાર્કિગ ફરજિયાત કરવામાં આવશે પરંતુ હજુ તેના માટેના કાયદો તથા નિયમો ઘડાયા નથી તેના કારણે તેમાં વિલંબ થઇ રહ્યો છે. ઇન્ડિયન એસોસિયેશન ઓફ હોલમાર્કિગ સેન્ટર્સના પ્રેસિડન્ટ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે નિયમો તથા કાયદો તૈયાર કરી લીધો છે તથા કાયદા મંત્રાલયને સુપરત પણ કરી દીધો છે. તેમણે ઉમેર્યુ હતું કે ફરજિયાત હોલમાર્કિગ હવે ગમે ત્યારે લાગુ થશે.

કેટલાક ગોલ્ડ ટ્રેડર્સે જણાવ્યું હતુ કે, વધતી જતી સોનાની કિંમતના કારણે પણ માંગને અસર થઇ છે. ગુરૂવારે સોનાની કિંમત સ્થિર જળવાઇ હતી કેમ કે રોકાણકારો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ પર વધારે વિગતોની, યુરોપિયન સેન્ટ્રલ બેન્કની પોલિસી બેઠકના નિર્ણયની તથા યુએસ જોબ ડેટાની રાહ જોઇ રહ્યા છે. હાજર સોનું ૦.૨ ટકા વધીને દરેક ઔસ દીઠ ૧,૩૨૮.૮૧ ડોલર નોંધાયુ હતુ. બુધવારે તેણે ૧,૩૪૦.૪૨ ડોલર પર એક સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી. યુએસ ગોલ્ડ ફયુચર ૦.૧ ટકા સુધારો ૧,૩૨૯ ડોલર હતા.

એન્જલ કોમોડિટીઝ બ્રોકિંગના ચીફ એનાલિસ્ટ પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, પાછલા એક મહિનામાં સોનાની તાકાતમાં આશરે બે ટકાનો વધારો થયો હતો જેના પરિણામે સોના સહિતની કોમોડિટીઝની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. માલ્યાને અપેક્ષા છે કે આ મહિને સોનાની કિંમત નીચી રહેશે તથા ૧,૨૭૦ ડોલર તરફ જશે જ્યારે એમસીએકસ ગોલ્ડ પ્રાઇસ ૧૦ ગ્રામ દીઠ રૂ.૨૯,૩૦૦ તરફ ઘટતી જશે.

(11:29 am IST)