Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

GSTR-3Bની તારીખ જૂન સુધી લંબાવાશે

શનિવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિટર્ન ભરવાનું સરળ બનાવવા પણ નિર્ણય લેવાશે

નવી દિલ્હી તા. ૯ : જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાનારી બેઠકમાં GSTR-3B સેલ્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા લંબાવીને જૂન સુધી કરવા ઉપરાંત તેને વધુ સરળ બનાવવા નિર્ણય લેવાય તેવી શકયતા છે. સમયમર્યાદા લંબાવવાના સંજોગોમાં કારોબારીઓને રિટર્ન ફાઈલ કરવાનો વધુ સમય મળશે. નાણાં મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા હેઠળની કાઉન્સિલ જીએસટી હેઠળ નોંધાયેલા કારોબારો માટે રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા સરળ બનાવે તેવી શકયતા છે. આ અંગે માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ અંગે કાઉન્સિલે મંજૂરી આપી છે જેના અમલમાં આશરે ૩ મહિના જેટલો સમય થશે, ત્યાં સુધી GSTR-3B ચાલુ રહેશે.

જીએસટી કાઉન્સિલની ૨૬મી બેઠક ૧૦ માર્ચે યોજાશે. જીએસટી અમલી બન્યાના શરૂઆતના મહિનાઓ દરમિયાન કારોબારીઓ સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકે તે માટે સરળ GSTR-3B સેલ્સ રિટર્ન રજૂ કરાયું હતું. ત્યારબાદ GSTR-1, 2 અને 3 ફાઈનલ રિટર્ન્સ ભરવાના હતાં.

ફાઈનલ રિટર્ન ભરતી વખતે ઈનવોઈસ મેચિંગમાં કારોબારીઓ નડેલી સમસ્યાઓ ઉપરાંત જીએસટીએનની સિસ્ટમમાં રહેલી મુશ્કેલીઓને પગલે જીએસટી કાઉન્સિલે ગત નવેમ્બરમાં GSTR-3B રિટર્ન ભરવાની તારીખ માર્ચ, ૨૦૧૮ના અંત સુધી લંબાવી GSTR-2 અને અંતિમ રિટર્ન ૩ ભરવામાંથી મુકિત આપી હતી.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે GSTR-3B ફાઈલિંગ સિસ્ટમ હવે નિયમિત બની છે અને કારોબારીઓ હવે સરળતાથી રિટર્ન ફાઈલ કરી શકે છે. આમ જયાં સુધી નવી ફાઈલિંગ સિસ્ટમ અમલી ના બને ત્યાં સુધી કારોબારીઓ GSTR-3Bના ફાઈલિંગ દ્વારા કરની ચૂકવણી કરી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

માસિક ધોરણે પ્રારંભિક GSTR-3B રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ આગામી મહિનાની ૨૦ તારીખ નક્કી કરાઈ છે. જાન્યુઆરીમાં જીએસટી કાઉન્સિલે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના નેતૃત્વવાળા મંત્રીઓના જૂથને રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા સરળ બનાવવાની જવાબદારી સોંપી હતી, જેથી કારોબારીઓ જીએસટી હેઠળ એક જ ફોર્મના માધ્યમથી રિટર્ન ફાઈલ કરી શકે. ગયા મહિને યોજાયેલી મંત્રીઓના જૂથની બેઠકમાં જોકે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો.

ઇ-વે બિલ માટેના નિયમો હળવા બનાવાયા

સરકારે ઈ-વે બિલના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકાર દ્વારા કરાયેલા આ બદલાવથી ઈ-કોમર્સ કંપનીઓને માલ-સામાનના પરિવહનમાં તથા તેના મૂલ્યની ગણતરીમાં મદદ મળી રહે તેવી અપેક્ષા છે. સરકાર દ્વારા કરાયેલા પરિવર્તન અંતર્ગત હવે જોબ વર્કર્સને પણ માલ-સામાનની હેરફેર માટે ઈલેકટ્રોનિક રિસિપ્ટ જનરેટ કરવાની મંજૂરી અપાઈ છે. એફએમસીજી કંપનીઓને મોટી રાહત મળે તેવા એક નિર્ણય હેઠળ સરકારે જે કિસ્સાઓમાં સેલ્સ ઈનવોઈસમાં કરમુકત અને કરપાત્ર એમ બંને પ્રકારના માલનો સમાવેશ થતો હોય તેમાં ઈ-વે બિલ જનરેટ કરવા માટે માત્ર કરપાત્ર માલને જ ગણતરીમાં લેવાને મંજૂરી આપી છે.

 

(9:55 am IST)