Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ બાદ નીરવ મોદી સામે રૂૂ.૩૨૧ કરોડની છેતરપિંડીની વધુ અેક ફરિયાદ

મુંબઇઃ પીઅેનબે સાથે કૌભાંડ કરનાર નીરવ મોદી સામે રૂૂ.૩૨૧ કરોડની છેતરપિંડીનો વધુ અેક ગુનો નોંધાયો છે.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં સીબીઆઇએ ત્રીજી એફઆઇઆર નોંધી છે. એફઆઇઆરમાં આરોપ મુકાયો છે કે નીરવ મોદી અને તેમની બે કંપનીઓએ મંજૂર કરાયેલી ક્રેડિટ લિમિટનો દુરુપયોગ કરી પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 322 કરોડની છેતરપિંડી કરી છે.

આ ક્રેડિટ લિમિટ નીરવ મોદીની કંપનીઓ ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ અને ફાયરસ્ટાર ડાયમંડ્સ ઇન્ટરનેશનલ લિમિટેડને વર્ષ 201૩થી 2017 વચ્ચે અપાઇ હતી. ચોથી માર્ચે પીએનબી દ્વારા સીબીઆઇને નવી ફરિયાદ કરાયા પછી નોંધાયેલી એફઆઇઆરમાં નીરવ મોદી ઉપરાંત ફાયરસ્ટાર ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ (ફાઇનાન્સ) વિપુલ અંબાણી અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર રવિશંકર ગુપ્તાને આરોપી ગણાવવામાં આવ્યા છે. આ મામલાના જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે એફઆઇઆર નોંધાયા પછી સીબીઆઇએ ફાયરસ્ટારના ઠેકાણા પર દરોડા પાડયા હતા.

પીએનબીએ સીબીઆઇને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બેન્કના ધ્યાનમાં નીરવ મોદીની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ અને ફાયરસ્ટાર ડાયમંડ્સ ઇન્ટરનેશનલમાં છેતરપિંડી કરીને એલઓયુ જારી કરાયા હતા તેવી નીરવ મોદીની કંપનીઓ વચ્ચે સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન થયાનું ધ્યાનમાં આવ્યું છે.

સીબીઆઇએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા આચરવામાં આવેલા કૌભાંડના મોટાભાગના દલ્તાવેજો હજુ મેળવ્યા નથી. નીરવ અને મેહુલની કંપનીઓને પીએનબી દ્વારા જારી કરાયેલા બનાવટી એલઓયુને સંબંધિત દસ્તાવેજો પણ હજુ સીબીઆઇ પાસે નથી. સીબીઆઇને શંકા છે કે તેમાંના કેટલાક દસ્તાવેજોનો નાશ કરી દેવાયો હોઇ શકે છે. પીએનબીએ જણાવ્યું છે કે, નીરવ અને મેહુલની કંપનીઓને જારી કરાયેલા એલઓયુને લગતા દસ્તાવેજો બ્રાન્ચમાં નથી અને તેનો નાશ થઇ ગયો હોઇ શકે છે. સીબીઆઇએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું હતું કે મોટાભાગના દસ્તાવેજો હજુ મેળવવાના બાકી છે. સીબીઆઇ આ દસ્તાવેજો શોધવા પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં સીબીઆઇને કેટલાક દસ્તાવેજ મુંબઇના વડાલા વિસ્તારમાં આવેલી એક ચાલીમાંથી મળી આવ્યા હતા. આરોપીઓએ જાણીજોઇને આ દસ્તાવેજો અહી છુપાવ્યા હતા જેથી તે સીબીઆઇના હથ્થે ન ચડે.

ઈડીએ આરોપ મૂક્યો છે કે નીરવ મોદીએ છેતરપિંડી દ્વારા પીએનબીમાંથી મેળવેલા નાણામાંથી વિદેશમાં અચલ સંપત્તિઓ ખરીદી છે. ઇડીએ જણાવ્યું હતું કે, આ દિશામાં ઇડી માટે વિદેશમાં અપરાધ દ્વારા પ્રાપ્ત કરેલા નાણાં પરત મેળવવા સરળ બની રહેશે. ઇડીની અદાલતે આ દેશોમાં પોતાના સમકક્ષોને લેટર્સ રોગેટરી મોકલી તપાસમાં મદદ માગી છે . નીરવ મોદીએ આ રકમનો ઉપયોગ સંપત્તિ ખરીદવા ઉપરાંત વિદેશી બેન્કો પાસેથી લેવાયેલું ઋણ ચૂકવવામાં પણ કર્યો છે. મોદીની કંપનીઓએ પીએનબીમાંથી મળેલી રકમનો ઉપયોગ વિદેશી બેન્કોની લોન સેટલ કરવામાં કર્યો હતો.

(8:35 pm IST)