Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ટીડીપી-ભાજપ ટસલ : મોદીની ચંદ્રાબાબુ નાયડૂની સાથે મંત્રણા

એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાતના એક દિવસ બાદ ચર્ચા : આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાની માંગણીને ફગાવી દીધા બાદ ટીડીપી દ્વારા છેડો ફાડ્યો : પરસ્પર કેબિનેટમાંથી બંને પાર્ટીઓના પ્રધાનોના રાજીનામા

નવીદિલ્હી, તા. ૮ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાને લઇને દેશની રાજનીતિમાં ગરમી આવી ગઈ છે. ટીડીપી દ્વારા એનડીએ સાથે છેડો ફાડી લીધાના એક દિવસ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી હતી. જુદા જુદા વિષયો ઉપર અને ખાસ કરીને આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દા પર ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાની ટીડીપીની માંગને ફગાવી દીધા બાદ કેન્દ્રીય કેબિનેટમાંથી તેમની પાર્ટીના બે પ્રધાનો રાજીનામુ પણ આપી ચુક્યા છે. બંને વચ્ચે વિસ્તારપૂર્વક વાતચીત થઇ હતી. ટીડીપીના બે પ્રધાનો  અશોક ગજપતિ રાજુ અને વાયએસ ચૌધરીને રાજીનામુ આપી દેવા માટે કહેવામાં આવી ચુક્યું છે. આજે સાંજ આ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ચંદ્રબાબુ નાયડુએ ભાજપના પ્રધાનોના રાજીનામાના સમાચાર બાદ રાજ્ય વિધાનસભામાં આજે કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટમાં અમારા પ્રધાનો અને અમારી કેબિનેટમાં ભાજપના પ્રધાનોએ રાજીનામા આપી દીધા છે. જો કે, આ પ્રધાનો રાજ્યમાં ખુબ સારી કામગીરી કરી રહ્યા હતા. તેમના વિભાગોમાં નોંધપાત્ર સુધારા લાવવામાં આવ્યા હતા. તેમની સેવા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. રાજીનામાનો સિલસિલો જારી રહ્યો છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે ભાજપ અને ટીડીપી વચ્ચે જારી ખેંચતાણ વચ્ચે રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુએ બુધવારના દિવસે એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કર્યા બાદ હવે બંને આમને સામને આવી ગયા છે. આજે અમરાવતીમાં મુખ્યપ્રધાન કચેરી પહોંચીને ભાજપના ક્વોટાના બે પ્રધાનોએ આંધ્રપ્રદેશ કેબિનેટમાંથી રાજીનામા આપી દીધા હતા. નાયડુ સરકારમાંથી બહાર નિકળી જવાની જાહેરાત કરીને બન્ને પ્રધાનોએ તેમના રાજીનામા સોંપી દીધા હતા. આ પહેલા આંધ્રપ્રદેશમાં ભાજપના એમએલસી પીવીએન માધવે કહ્યુ હતુ કે ટીડીપી કેબિનેટમાંથી અમારા પ્રધાનો બહાર નિકળી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર રાજ્યને તમામ મદદ કરી રહી છે પરંતુ બિનજરૂરી માંગ સ્વીકારવામાં આવનાર નથી. બીજી બાજુ કેન્દ્રમાં ટીડીપી ક્વોટાના પ્રધાન લાએસ ચોધરીએ કહ્યુ હતુ કે આ પગલુ યોગ્ય નથી પરંતુ કમનસીબે અમને પગલુ લેવાની ફરજ પડી રહી છે. બુધવારે રાત્રે નાયડુએ એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ રાજકીય ગરમી વધી ગઇ છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ હતુ કે આ અમારો અધિકાર છે. કેન્દ્ર સરકારે અમને આપવામાં આવેલા વચનો પાળ્યા નથી. અમે બજેટના દિવસથી આ મુદ્દાને ઉઠાવી રહ્યા છીએ. સરકાર તરફથી આ સંબંધમાં કોઇ જવાબ મળી રહ્યા ન હતા.

નાયડુએ કહ્યુ હતુ કે છેલ્લા ચાર વર્ષથી ધીરજ રાખી રહ્યા હતા. કેન્દ્ર સરકારને મનાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રાબાબુ નાયડુ સરકારમાંથી તેમના બે પ્રધાનોને પાછા ખેંચી લીધા હતા જેમાં ડોક્ટર કે શ્રીનિવાસ અને પીએમ રાવનો સમાવેશ થાય છે. મામલાને ઉકેલવા માટે રામ માધવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે, આમા સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહ છે.

(7:48 pm IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST